: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
અરે, મારા ચૈતન્યનો આનંદ, તેમાં આ કલેશ શો? આ ચાર ગતિના દુઃખ શા? એમ જો
તું દુઃખથી છૂટીને તારા આનંદને અનુભવવા ચાહતો હો તો, દુઃખથી ભિન્ન તારા
સ્વરૂપને જાણ. મનમાં જ્યાં સુધી બીજું શલ્ય હશે–ચિન્તા હશે–ઉપાધિ હશે ત્યાંસુધી
ચિત્ત આત્મામાં જોડાશે નહિ. માટે સર્વ ચિન્તા છોડીને આત્મામાં ચિત્તને જોડ.
પોતામાં જેને રાગાદિ ભાવો સાથે એકબુદ્ધિ છે તે પરભાવથી ભિન્ન આત્માને
દેખતો નથી; બીજાના આત્માને પણ તે પરભાવથી પૃથક્ દેખતો નથી. તે નિશ્ચિંત થઈને
આત્માને ચિંતવી શકશે નહિ.
ભાઈ, તારા આત્મામાં સદાય અનંત ગુણ છે; તે બધા ગુણ સમયે સમયે
સ્વપર્યાયરૂપ કાર્યપણે પરિણમી જ રહ્યા છે. જે કાર્ય નિજસ્વભાવથી થઈ જ રહ્યું છે તેને
બીજા સાધનવડે હું કરું એ વાત ક્્યાં રહે છે? સામાન્ય–વિશેષરૂપ વસ્તુ છે, એટલે સમયે
સમયે તે પરિણમી જ રહી છે, પછી બીજો તેના પરિણમનમાં શું દખલ કરે?–જાણે, પણ
તેમાં કાંઈ દખલ કરી શકે નહિ. આવું સ્વાધીન–સ્વતંત્ર સ્વરૂપ જાણીને હે જીવ! તું
અનંતગુણમય તારા સ્વરૂપને જ ચિંતવ ને અન્યની ચિન્તા છોડ. બહારની બીજી
ચિન્તાની તો શી વાત, અહીં તો કહે છે કે મોક્ષની પણ ચિન્તા ન કર. મોક્ષની ચિન્તા
કર્યા કરવાથી કાંઈ મોક્ષ નથી થતો, પણ વિકલ્પરહિત થઈને સ્વરૂપના ચિંતનમાં રહેતાં,
ઉપયોગની શુદ્ધી વધતાં મોક્ષ થાય છે. એ જ રીતે, સમ્યગ્દર્શન માટે સમ્યગ્દર્શનની
ચિન્તાના વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ સમ્યગ્દર્શન પમાય નહિ, પણ આત્માનું
વાસ્તવિકસ્વરૂપ ઓળખી, તેને ચિન્તવી, નિર્વિકલ્પ પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થાય છે.
મોક્ષની ઈચ્છા મોક્ષને અટકાવનાર છે; અને તે પર્યાય તો અત્યારે અભાવરૂપ
છે, તે અભાવનું ચિંતન શું? સદ્ભાવરૂપ જે સ્વભાવ છે તે સ્વભાવને જ ચિંતનમાં લે.
એ સ્વભાવની અનુભૂતિ જ મોક્ષનો ને સમ્યક્ત્વાદિનો ઉપાય છે. ચિન્તામાં તો
આકુળતા છે, ને તે ચિન્તાથી તો કર્મ બંધાય છે; માટે ચિન્તા એ કાંઈ ઉપાય નથી. માટે
કહ્યું છે કે નિશ્ચિંત પુરુષો આત્માને સાધે છે. ચૈતન્યસ્વભાવમાં ચિન્તા કેવી? વિકલ્પ
કેવો? એની આરાધનાથી તો ચિન્તા તૂટી જાય છે; જગતની ગમે તેવી ચિન્તામાં પણ
ધર્મીજીવ જ્યાં પોતાના સ્વભાવના ચિંતનમાં ઉપયોગને જોડે છે ત્યાં દુનિયાની બધી
ચિન્તાના ચૂરા થઈ જાય છે. ચિન્તામાં તો અશાન્તિ છે; વિકલ્પરહિત શાંતચિત્ત થઈને
આત્માને ધ્યાવે ત્યારે આત્મા અનુભવમાં આવે છે; એ અનુભવમાં કોઈ ચિન્તાનો
બોજો નથી, પરની ચિન્તાનો ભાર માથે રાખીને આત્માની શાંત અનુભૂતિ થઈ શકે
નહિ. ચિન્તાનો બોજો ઉતારી નાંખીને હળવો ફૂલ થઈને જ્ઞાનને અંદરમાં થંભાવે ત્યારે
આત્માના શાંતરસનો અનુભવ થાય.