Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
શરમજનક જન્મોથી હવે બસ થાવ
આ આત્મા અશરીરી ચૈતન્યમૂર્તિ છે, તેણે જડ દેહ ધારણ કરીને જન્મ–મરણમાં
રખડવું પડે એ શરમ છે. એ શરમજનક જન્મો ટાળવા માટે પહેલાં આત્માને અંદરમાં
ધગશ જાગવી જોઈએ...અરે, હું સિદ્ધભગવાન જેવો ચૈતન્યમૂર્તિ આત્મા, ને મારે આવા
અવતાર કરવા પડે–એ શરમ છે! મારો અતીન્દ્રિયઆનંદ મારામાં ને મારે આ જડ
ઢીંગલા જેવી ઈન્દ્રિયોને ધારણ કરી કરીને ભવભવમાં ભટકવું પડે એ–શરમ છે. હવે
આવા અવતારથી બસ થાઓ. મારા ચૈતન્યનિધાનને ખોલીને આ શરમજનક જન્મોનો
અંત કરું.–આમ અંતરમાં મોક્ષાર્થી થઈને જેને આત્માની ખરી જિજ્ઞાસા જાગે તે જીવ
પ્રયત્નપૂર્વક આત્માને જાણીને, તેમાં લીનતાવડે મોક્ષને સાધે છે,–પછી ફરીને દેહ ધારણ
કરતો નથી.
જે ધ્યાવે નિજાત્મને અશુચી દેહથી ભિન્ન,
શરમજનક જન્મો ટળે, ધરે ન દેહ નવીન.
સાચો બંધુ
અનંતજ્ઞાનાદિ યુક્ત સિદ્ધભગવંતો ત્રણલોકના જીવોના બંધુ છે. પરમાત્મપ્રકાશ
ગા. ૨૦૨માં કહે છે કે સિદ્ધપરમેષ્ઠીનું ધ્યાન કરીને ભવ્યજીવો ભવસાગરને તરે છે માટે
સિદ્ધભગવાન ભવ્યજીવોના સાચા બંધુ છે. જે હિતકર હોય તેને બંધુ કહેવાય. પાંચે
પરમેષ્ઠી ભગવંતો સાચા બંધુ છે. આત્માનું હિત બતાવનારા સન્તો એ આ જગતમાં
પરમ હિતકારી બંધુ છે. સિદ્ધભગવાન જેવું આત્માનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં લેતાં
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે ને આત્માનું પરમ હિત થાય છે. એવું સ્વરૂપ દેખાડનારા ને
સાધનારા જીવો તે જ સાચા હિતકર બંધુ છે.