: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સ્વદ્રવ્યાશ્રિત સુખ કહો કે સ્વદ્રવ્યાશ્રિત મોક્ષમાર્ગ કહો; ને પરદ્રવ્યાશ્રિત દુઃખ
કહો કે પરદ્રવ્યાશ્રિત બંધમાર્ગ કહો. લ્યો, આ ટૂંકમાં બંધ–મોક્ષનો સિદ્ધાંત. જેટલો
સ્વસ્વભાવનો આશ્રય તેટલો મોક્ષમાર્ગ; જેટલો પરદ્રવ્યનો આશ્રય તેટલું બંધન; જેટલો
સ્વાશ્રયભાવ તેટલું સુખ; જેટલો પરાશ્રયભાવ તેટલું દુઃખ જેટલો સ્વાશ્રયભાવ તેટલી
શુદ્ધતા; જેટલો પરાશ્રિતભાવ તેટલી અશુદ્ધતા.
વાહ, કેટલી ચોકખી અને સીધી વાત છે!
આ સમજીને હે જીવ! મોક્ષને અર્થે તું અંતરમાં તારા શુદ્ધાત્મસ્વભાવનો સંબંધ
કર.....અંતર્મુખ પરિણતિ વડે એની ભાવના કર.....રત્નત્રયની ભાવના વડે મોક્ષમાર્ગમાં
લાગ. અંતરદ્રષ્ટિ વડે તારા ઉત્કૃષ્ટ પરમ સ્વરૂપમાં તું સંબંધ જોડ તો તારું પરિણમન
પણ તે તરફ વધી વધીને ઉત્કૃષ્ટ આનંદરૂપ થઈ જશે.
અરે જીવ! તું પરમેષ્ઠી પદને પામ એવી વાત અમે તને સંભળાવીએ છીએ, તું તે
સાંભળ! જગતના છએ દ્રવ્યોને જાણનારો તારો ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવ છે, તેના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન કરતાં હું પરમ–ઈષ્ટ એવા સિદ્ધપદને પામીશ.
* હે વત્સ! તારે આત્માને સાધવો છે?
હા.
* તો કોની પાસે જઈને આત્માને સાધીશ?
મારા સ્વભાવની સન્મુખ થઈને આત્માને સાધીશ.
* સ્વભાવની સન્મુખ કઈ રીતે થઈશ?
સ્વભાવને પરથી અત્યંત જુદો જાણીને અને નિજ
સામર્થ્યનો અચિંત્ય મહિમા લાવી લાવીને વારંવાર
અંતરપ્રયત્ન કરીને સ્વભાવસન્મુખ થઈશ. જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરીને જ્ઞાનને અંતરમાં વાળીશ.
જગતની રુચિ છોડીને અને સ્વભાવની પરમ રુચિ કરીને
સ્વસન્મુખપરિણતિ કરીશ.
* મુખ્ય કામ કયું છે?
સ્વભાવનો સાધવો એ એક જ મારું મુખ્ય કામ છે