સમયસાર (પંદરમી વખત પ્રવચનો)
ગ્રંથાધિરાજ સમયસાર એટલે ગુરુદેવના જીવનના સાથીદાર; ગુરુદેવે પોતે અંગત
રીતે સેંકડોવાર એ મહાશાસ્ત્રના સ્વાધ્યાય–મનન કરેલ છે. ને સેંકડો–હજારો મુમુક્ષુઓની
સભામાં પંદરમી વખત એના ઉપર વિસ્તૃત પ્રવચનો ચાલી રહ્યાં છે. અધિક શ્રા. સુદ ૧૦ ના
રોજ યોગસાર–પ્રવચનો પૂર્ણ થયા ને શ્રાવણ સુદ ૧૧ ના રોજ સમયસાર ઉપર પંદરમી વખત
પ્રવચનોનો અત્યંત ઉલ્લાસકારી મંગલ પ્રારંભ થયો....સિદ્ધભગવંતોને આદર્શરૂપે આત્મામાં
સ્થાપી નમસ્કાર કર્યા, આત્મામાં સિદ્ધપણું સ્થાપીને ‘હું સિદ્ધ તું સિદ્ધ’ એવું અપૂર્વ
મંગલાચરણ કર્યું–જાણે સાધકપણાની શરૂઆતનો ઉત્સવ ઉજવાયો. આ ઉત્સવ પ્રસંગે
સવારમાં જિનવાણી–પૂજન બાદ, સમયસારના બહુમાનરૂપે નાનકડી રથયાત્રા નીકળી ને સૌ
જિનવાણીના ગીત ગાતાંગાતાં પ્રવચનમાં આવ્યાં. “નમ: સમયસાર” નું મંગલપ્રવચન કરતી
વખતે શુદ્ધાત્મા પ્રત્યે ગુરુદેવના ભાવો એવા ઉલ્લસી જાય છે કે એ ઉલ્લાસતરંગની છોળ
શ્રોતાના હૃદયને પણ ભીંજવી દે છે. પંદરમી વખતનું આ મંગલ પ્રવચન સાંભળીને ઉલ્લાસ
આવતાં શેઠશ્રી મગનલાલ સુંદરજી મહેતાએ રૂા. પંદરસો જ્ઞાનખાતે જાહેર કરીને સમયસાર
પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી હતી. ઈંદોરના પ્રસિદ્ધ પંડિત શ્રી બંસીધરજી શાસ્ત્રી પણ આ પ્રસંગે
સોનગઢ હોવાથી સમયસારની આવી ઉલ્લાસકારી શરૂઆત દેખીને ખૂબ પ્રસન્ન અને
પ્રભાવિત થયા હતા. ખરેખર, ‘સમયસાર’ વડે શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવીને સંતોએ ભવ્ય જીવો
ઉપર મહાન ઉપકાર કર્યો છે.
“ जय समयसार”
[સમયસાર સંબંધી આ સમાચાર ગતાંકમાં છાપવા માટે લખી મોકલેલ, પણ તે ગેરવલ્લે
જવાથી ગતાંકમાં છપાયા નહિ. તેવી ફરીથી લખીને આ અંકમાં વિલંબથી તે સમાચાર છપાય છે.
*
પાલેજના ભાઈશ્રી આણંદજી નાગરદાસ શ્રાવણ સુદ ત્રીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ ગુરુદેવના જુના પરિચીત હતા અને અવારનવાર ભક્તિથી સોનગઢ આવીને લાભ
લેતા હતા.
* દેહગામના ભાઈશ્રી બાબુલાલ ડાયાભાઈ પ્ર. શ્રાવણ વદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ અગાઉ કેટલાક વર્ષો સોનગઢમાં રહ્યા હતા ને તત્ત્વનો અભ્યાસ કરતા હતા.
* બરવાળાના સ્વ. ભાઈલાલ પુરુષોત્તમના પુત્રી સુરજબેન તા. ૪–૯–૬૬ ના રોજ મુંબઈમાં
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લેતા હતા.
* રાજકોટના ભાઈશ્રી હીરાચંદ દામોદરદાસ લાખાણી તા. ૧૩–૮–૬૬ ના રોજ ૬૭ વર્ષની
વયે સ્વર્ગવાસ પામ્યા છે. અવારનવાર તેઓ સોનગઢ આવતા.
સ્વર્ગસ્થ આત્માઓ ધર્મસંસ્કારમાં આગળ વધીને આત્મહિત પામો.