ATMADHARM Regd No. 182
ભરવાડમાંથી ભગવાન
(કુંદકુંદસ્વામીનો જીવ ગોવાળના ભવમાં મુનિને શાસ્ત્રદાન કરે છે.)
આ ગોવાળ છે તે કુંદકુંદસ્વામીનો જીવ છે. બે હજાર વર્ષ પહેલાં આપણા ભારત
દેશના દક્ષિણભાગમાં એક શેઠ રહેતા હતા. તેમને ત્યાં એક ગોવાળ હતો. તે ઘણો ભદ્ર હતો.
એક વાર તે ગોવાળજી ગાય ચરાવવા જંગલમાં ગયા હતા. ત્યાં તેણે જોયું કે
આગમાં આખુંય જંગલ ભસ્મ થઈ ગયું છે–પણ વચ્ચે એક ઝાડ લીલુંછમ ઊભું છે! એ
દેખીને તેને અચંબો થયો. તેણે ઝાડ પાસે જઈને જોયું તો ઝાડની બખોલમાં એક શાસ્ત્ર
હતું. તેને લાગ્યું કે આ શાસ્ત્રના પ્રભાવથી જ આ ઝાડ બચી ગયું છે; એટલે તે ગોવાળા
ઘણા જ બહુમાનપૂર્વક તે શાસ્ત્ર પોતાના ઘરે લઈ ગયો.
તે શેઠના ઘરે એકવાર મોટા મુનિરાજ પધાર્યા, ને શેઠે ભક્તિપૂર્વક આહારદાન દીધું,
આ જોઈને ગોવાળને પણ મુનિ પ્રત્યે ઘણું જ બહુમાન આવ્યું ને વનમાંથી લાવેલ શાસ્ત્ર
ઘણા જ ભાવપૂર્વક તે મુનિરાજને વોરાવ્યું. તે વખતે જ્ઞાનના અચિન્ત્ય બહુમાનની
ઊર્મિઓ એના અંતરમાં જાગી ને મુનિરાજને જોઈને ભાવના થઈ કે અહો, હું પણ આવો
સાધુ ક્યારે થાઉં!–આ શાસ્ત્રદાનના પ્રભાવથી એનું જ્ઞાનાવરણકર્મ ઘણું તૂટી ગયું.
કેટલાક વખત પછી એ ગોવાળનો જીવ મરીને એ શેઠને ત્યાં જ પુત્ર તરીકે
અવતર્યો નાનપણથી જ ઘણા વૈરાગી અને તીક્ષ્ણ બુદ્ધિમાન એવા તે બાળકે ૧૧ વર્ષની
ઉમરે તો જિનચંદ્ર સ્વામી પાસે દીક્ષા લીધી. ૧૧ વર્ષનો કિશોર હાથમાં મોરપીંછી ને કમંડળ
લઈને મુનિપણે વીતરાગદશામાં વિચરવા લાગ્યો. એ જ આપણા ભગવાન કુંદકુંદાચાર્યદેવ.
તેઓ મુનિ થયા...પછી શું થયું? તે બહુ મજાની વાત આવતા અંકમાં કહીશું.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર.