Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 46

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ભાઈ, આત્મા અને અનાત્મા કદી એકમેક થયા નથી; જીવ અને શરીર કદી
એકમેક થયા નથી; ચૈતન્ય અને રાગ કદી એકમેક થયા નથી; સદાય જુદા જ છે.–પણ તેં
ભ્રમથી એકપણું માન્યું હતું તે હવે તું છોડ; ને આનંદિત થઈને જડથી ભિન્ન, રાગથી
ભિન્ન, તારા ચૈતન્યતત્ત્વને અનુભવમાં લે. તને એમ થશે કે અહો! મારો આ આત્મા
તો સદાય જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે. તેનો એક અંશ પણ જડ સાથે કે અનાત્મા સાથે તદ્રૂપ
થયો નથી.–આવા આત્માને દેખીને તું પ્રસન્ન થા, આનંદિત થા.
ઉપયોગ સાથે તારા આત્માને સદાય એકતા છે, પણ અનાત્મા સાથે (જડ સાથે
કે રાગાદિ સાથે) તારા આત્માને એકતા કદી નથી. માટે જ્ઞાનરૂપ થઈને જ્ઞાનનો સ્વાદ
લે. ભાઈ, જ્ઞાનના સ્વાદમાં આનંદ છે; રાગમાં તો આકુળતાનો સ્વાદ છે, ને જ્ઞાનના
વેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. આવા ચૈતન્યરસનો સ્વાદ તું લે. રાગાદિ
પરભાવોમાંથી બહાર કાઢીને તારું શુદ્ધ ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડયું, હવે આનંદિત
થઈને તું તારા આવા તત્ત્વને અનુભવમાં લે...ને રાગ સાથે એકતાના મોહને છોડ.
ભાઈ, તું અંદર જોતો નથી એટલે તારું ચેતનસ્વરૂપ તને દેખાતું નથી, ને
બહારના ભાવો તને તારા લાગે છે.–પણ એ તો મોહ છે. એ બહારના અસ્વભાવ ભાવો
(સ્વભાવથી ભિન્ન ભાવો) તે તો સંયોગરૂપ છે, ને વેગપૂર્વક વહી રહ્યા છે, ક્ષણેક્ષણે તે
આવે છે ને ચાલ્યા જાય છે. તારું ચૈતન્યસ્વરૂપ તો એમ ને એમ ટકી રહ્યું છે.–આવા
ઉપયોગસ્વરૂપે તું તારા આત્માને જો.
રાગના રંગે રંગાઈ ગયેલા જીવને સ્ફટિક જેવું પોતાનું સ્વચ્છ ઉપયોગસ્વરૂપ
દેખાતું નથી, જાણે આખો આત્મા જ રાગથી રંગાઈ ગયો હોય–એમ એને લાગે છે.
બાપુ, એ રાગના રંગ તો ઉપર–ઉપરના છે, એ કાંઈ તારા ચૈતન્યસ્વરૂપમાં પેસી ગયા
નથી. જેમ પ્રકાશ અને અંધકાર ભિન્ન છે તેમ ઉપયોગપ્રકાશ અને રાગઅંધકાર ભિન્ન
છે, તેમને એકપણું કદી નથી. માટે આવા ભેદજ્ઞાન વડે અત્યંત પ્રસન્ન થઈને તું
સ્વદ્રવ્યને અનુભવમાં લે.
આચાર્યદેવ કહે છે કે વિકારને જ આત્મા તરીકે જે અનુભવે છે તે દુરાત્મા છે,
આત્માના પવિત્ર સ્વભાવનો તે ઘાત કરે છે, જ્ઞાનના મીઠા–અનાકુળ–શાંત સ્વાદને
વિકાર સાથે ભેળવીને તે આકુળસ્વાદને જ અનુભવે છે. અરે મૂઢ! તારી જ્ઞાનજ્યોતિ
ક્યાં ગઈ? તું પરમ વિવેક કરીને જ્ઞાનને અને રાગને ભિન્ન જાણ; જ્ઞાનના સ્વાદને જ
તારો સ્વાદ જાણ. આનંદમય થઈને ‘જ્ઞાનસ્વરૂપ જ હું છું’ એમ તું અનુભવ કર.
આત્મા તો ઉપયોગસ્વરૂપ છે ને રાગાદિ તો અનુપયોગ છે, તે બંનેને એકતા હોઈ
શકે નહિ. અજ્ઞાની દેહની ક્રિયામાં આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, એટલે કે પુદ્ગલ–