આત્માની પ્રભુતા એવી છે કે તેને કોઈ તોડી શકે નહિ, કે પરાધીન બનાવી શકે નહિ.
આવી પ્રભુતાના ભાનવડે પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે.
તો પુણ્યનો પ્રતાપ છે, એ કાંઈ અખંડિત પ્રતાપ નથી. આ ચૈતન્યરાજા અનંતગુણનો
ચક્રવર્તી, તેનો પ્રતાપ કોઈથી ખંડિત થાય નહિ, તેની સ્વતંત્રતાને કોઈ લૂંટી શકે નહિ.
આવી અનંતગુણની પ્રભુતા–શોભા આત્મામાં ભરી છે. એક પ્રભુત્વગુણે સર્વ ગુણોમાં
પ્રભુતા આપી છે. એટલે બધા ગુણો અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભી રહ્યા છે.
રાગવડે ગુણની પ્રભુતા ખંડિત થતી નથી પણ ગુણની નિર્મળ પર્યાય પ્રગટ કરીને રાગને
ખંડખંડ કરી નાંખે એવી દરેક ગુણમાં તાકાત છે. પ્રભુત્વને લીધે આત્માના સર્વ ગુણોમાં
પ્રભુતા છે, ને તેના પરિણમનમાં રાગનો અભાવ છે. એનો અભાવ જ છે પછી તે
આત્માની પ્રભુતાને ખંડિત કરે એ વાત ક્યાં રહી?
કોઈ દુશ્મન નથી કે જે આત્માની પ્રભુતાને તોડી શકે. સાતમી નરકના જીવને પોતાની
પ્રભુતાના અવલંબને જે સમ્યગ્દર્શન પ્રગટ્યું છે, ત્યાંની અનંતી પ્રતિકૂળતામાં એવી
તાકાત નથી કે સમ્યગ્દર્શનની જે પ્રભુતા પ્રગટી છે તેને તોડી શકે, દરેક ગુણની
નિર્મળપર્યાયમાં પ્રભુતા છે, એટલે કે પોતાથી સ્વતંત્રપણે તે શોભે છે. કોઈ સંયોગને
લીધે તેની શોભા છે કે રાગને લીધે તેની શોભા છે–એમ નથી. જ્ઞાનની પ્રભુતામાં
જ્ઞાનાવરણકર્મનો અભાવ છે, તેની પ્રભુતાને જ્ઞાનાવરણકર્મ હણી શકે નહિ.