Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
ફાગણ વદ ૮ (તા. ૨) ની સવારમાં હજારીબાગથી પ્રસ્થાન કરીને ગુરુદેવ રાંચી
શહેર પધાર્યા. ભક્તોએ ઉમંગભર્યું સ્વાગત કર્યું. અહીંના અનુપચંદભાઈ ખારાના
સુપુત્રી બ્ર. કોકિલાબેન સોનગઢ બ્રહ્મચર્યાશ્રમમાં પૂ. બેનશ્રી–બેનની છાયામાં રહે છે,
તેમનું આ ગામ હોવાથી વિશેષ ઉત્સાહ હતો; શેઠશ્રી નરભેરામભાઈ કામાણી વગેરે પણ
આવ્યા હતા. ભવ્ય જિનાલયમાં દર્શન કર્યા બાદ બાજુના જૈન સભાભવનમાં હજારથી
વધુ શ્રોતાજનો વચ્ચે માંગળિક તરીકે ગુરુદેવે “સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:”
એ સૂત્ર ઉપર વિવેચન કરીને વીતરાગી મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવ્યું. બપોરના
પ્રવચનમાં “હે જગતના જીવો! હવે તો જડ–ચેતનની એકત્વબુદ્ધિરૂપ મોહને છોડો!”–એ
શ્લોક ઉપર ગુરુદેવે વિવેચન કરીને ભેદજ્ઞાનની પ્રેરણા આપી હતી. પ્રવચન બાદ
જિનમંદિરમાં ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી. તથા રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી. બીજે દિવસે
સવારમાં જિનમંદિરમાં સેંકડો યાત્રિકોએ સમૂહ– પૂજન કર્યું હતું; અને બપોરે પ્રવચન
પછી ભક્તિ થઈ હતી. બંને દિવસ યાત્રાસંઘ ઉપરાંત રાંચીના સેંકડો જિજ્ઞાસુઓએ
પ્રવચનાદિનો લાભ લીધો હતો ને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બે દિવસનો કાર્યક્રમ
આનંદથી પૂર્ણ કરીને ફાગણ વદ દશમના સુદિને સવારમાં જયજયકારપૂર્વક રાંચીથી
ધનબાદ તરફ પ્રસ્થાન કર્યું.
ફાગણ વદ દશમે ગુરુદેવે ધનબાદ પધારતાં ધનબાદ શહેરમાં ગુજરાતી–સમાજના
ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો ને બપોરે પ્રવચનમાં હજારેક શ્રોતાજનોએ ભાગ
લીધો હતો. સાંજે ધનબાદથી પ્રસ્થાન કરી આસનસોલ રાત રહીને, બીજે દિવસે
ચિન્સુરા આવ્યા. ત્યાં જિનમંદિરમાં શાંત વાતાવરણમાં પ્રાચીન જિનબિંબોના દર્શન
કર્યા. જિનમંદિર સાથે જ ધર્મશાળા હતી. સાંજે કલકત્તા પહોંચી ગયા.
તા. ૬ એપ્રીલ સવારમાં કલકત્તામાં ભવ્ય સ્વાગત થયું. પાર્કના ભવ્ય મંડપમાં
પ્રથમ સ્વાગતાધ્યક્ષ શેઠશ્રી ગજરાજજી ગંગવાલે સ્વાગત–પ્રવચન કર્યું, ત્યારબાદ ત્રણ–
ચાર હજાર માણસોની સભામાં ગુરુદેવે મંગલપ્રવચન કર્યું. બંને વખત પ્રવચનોમાં ચાર–
પાંચહજાર શ્રોતાજનો હોંશથી ભાગ લેતા હતા ને ગુજરાતી તથા મારવાડી સાધર્મીઓના
મધુર મિલનનું દ્રશ્ય જોઈ આનંદ થતો હતો. કલકત્તાની ભીડમાં મુમુક્ષુઓને થતું કે ક્યાં
સિદ્ધિધામ સમ્મેદશિખરજીનું ઉપશાંત વાતાવરણ! ને ક્યાં આ નગરીની ભીડ! આમ
ભીડ વચ્ચે ત્રણ દિવસ પસાર કર્યા. તે દરમિયાન નયામંદિરમાં ભક્તિ–પૂજનના કાર્યક્રમો
રાખ્યા હતા. બેલગછિયા પાર્શ્વનાથ જિનમંદિરના દર્શન કર્યા. ચોથે દિવસે સાંજે ગુરુદેવે
કલકત્તાથી પ્રસ્થાન કર્યું.