: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
ચાર જીવો આ ભરતક્ષેત્રમાં આવ્યા છીએ. અહીં ભગવાનની સમીપમાં આજે સમાજમાં
આ વાત હું જાહેર કરું છું.
ગુરુદેવના શ્રીમુખથી વારંવાર આવી આનંદકારી જાહેરાત સાંભળતાં ભક્તોને
ઘણો જ હર્ષ થતો હતો. આમ તો ગુરુદેવ ઘણા ભક્તોને અવારનવાર એ વાત કરતા,
પણ ભરસભા વચ્ચે, આટલી મહાન પ્રસન્નતા પૂર્વક અને સીમંધર ભગવાનની સાક્ષીમાં
ગુરુદેવે આજે જે પ્રસિદ્ધિ કરી તે ખાસ નવીનતા હતી. ને શ્રોતાજનો એ સાંભળી ધન્યતા
અનુભવતા હતા. વાહ! આજની યાત્રા સફળ થઈ. ગુરુદેવ પણ અહીંના પ્રસંગને ફરી
ફરી સેંકડોવાર આનંદથી યાદ કરે છે.
અહીંના સીમંધર ભગવાનની પ્રતિમાનું ચિત્ર અગાઉ આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ
ગયેલ છે.
આ પ્રતિમાજી પ૦૦ વર્ષ પહેલાંના સ્થાપિત હોવા છતાં અત્યાર સુધી પ્રસિદ્ધ કેમ
ન હતા, ને હમણાં જ કેમ પ્રસિદ્ધિમાં આવ્યા? તે સંબંધી ઈતિહાસ પણ જાણવા જેવો છે.
જિનમંદિરની જે વેદી ઉપર આ ભગવાન બિરાજે છે તે વેદી ઉપર બીજા પણ અનેક
પ્રતિમાજી બિરાજતા હતા; તેમાં આ પ્રતિમાજીના આગલા ભાગમાં બીજા એક પ્રતિમાજી
એવી રીતે હતા કે તેના વડે સીમંધર ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ ઢંકાઈ જતો હતો.
ને છેલ્લા બસો વર્ષોથી પરંપરાગત લોકો ચંદાપ્રભુ તરીકે આ ભગવાનની પૂજા કરતા
આવ્યા છે. એવામાં ગુરુદેવનો પ્રભાવ અને પ્રચાર બયાના સુધી પહોંચ્યા. બયાનાના
જિજ્ઞાસુઓએ આત્મધર્મ દ્વારા તથા અભિનંદન–ગ્રંથમાં છપાયેલ સીમંધરપ્રભુની
પ્રતિમાના અનેક ચિત્રો જોયા...તેમની મુદ્રા જાણે કે આ ભગવાનને મળતી આવતી હોય
તેમ તેમને લાગ્યું. (વિશેષમાં આ વેદી ઉપર બિરાજમાન બીજી અનેક પ્રતિમાઓની
નેત્રદ્રષ્ટિ કરતાં આ ભગવાનની નેત્રદ્રષ્ટિમાં એક વિશેષતા છે.) તેથી વચ્ચેના બીજા
પ્રતિમાજીને એક તરફ લઈને આ પ્રતિમા ઉપરનો લેખ વાંચ્યો. લેખ વાંચ્યો અને
પૂજારીને આશ્ચર્ય થયું કે અરે! યહ ચંદાપ્રભુ સીમંધરસ્વામી કૈસે બન ગયે? તેમને માટે
આ એક આશ્ચર્યની વાત હતી, એટલે જૈન પત્રોમાં એ વાત પ્રસિદ્ધ કરી. ને એ રીતે
બયાનાના આ સીમંધર ભગવાન પ્રસિદ્ધ થયા. પછી તો આપણે તેનો ખાસ ફોટો
મંગાવીને આત્મધર્મમાં તે પ્રસિદ્ધ કર્યો. ને આજે ગુરુદેવે તેમની સાક્ષાત્ યાત્રા કરીને આ
સીમંધર ભગવાનને સારા ભારતમાં પ્રસિદ્ધ કરી દીધા. એટલું જ નહિ, એ
સીમંધરભગવાન સાથેના પૂર્વભવના સંબંધને પણ આનંદપૂર્વક પ્રસિદ્ધ કરીને મહાન
મંગલ કર્યું.
સીમંધર ભગવાનનો જય હો!