Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૩ :
બિરાજે છે. કળશ તથા ધ્વજારોહણ પણ હર્ષથી થયું. તથા જિનવાણી સમયસારની
પણ સ્થાપના થઈ. આમ ગુરુદેવના પ્રતાપે મેવાડમાં રાણા પ્રતાપની રાજધાનીમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ, તે દેખીને અનેક ભક્તો ભક્તિથી નાચી ઊઠયા
હતા.
જિનેન્દ્રપ્રતિષ્ઠા પછી ગુરુદેવના મંગલ–પ્રવચન બાદ શ્રી જિનેન્દ્રભગવાનની
ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા માટે અજમેરથી એક ખાસ રથ
મંગાવવામાં આવ્યો હતો; આ રથ ૮૦ વર્ષ પહેલાં ૮૦, ૦૦૦ રૂા. માં તૈયાર થયો
હતો, અત્યારે ૪–પ લાખ રૂા. થાય એવો સુંદર ને ભવ્ય સોનેરી રથ હતો. રથમાં
આગળ અંબાડી સહિત બે હાથી તથા બે સફેદ અશ્વ (પ્લાસ્ટરના) ઘણા સુશોભિત
હતા, ને સોનેરી કારીગરીથી શોભતા રથમાં વચ્ચે જિનેન્દ્રદેવ બિરાજતા હતા, બંને
બાજુ ચામર ઢળતા હતા. રથના સારથિ તરીકે ગુરુદેવ બેઠા હતા. આ ઉપરાંત
આગળ હાથી, અજમેર–મંડળી, બેન્ડવાજાં વગેરે અનેક ઠાઠમાઠથી રથયાત્રા શોભતી
હતી. રથયાત્રા લગભગ ત્રણ કલાક સુધી શહેરમાં ફરી હતી, ને આવી ઉલ્લાસકારી
રથયાત્રા દેખીને ઉદયપુરના નગરજનો આશ્ચર્ય પામતા હતા. આ રીતે ઉદયપુરના
મુમુક્ષુ મંડળે આનંદ અને ઉત્સાહપૂર્વક ગુરુદેવની મંગળછાયામાં શ્રી જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો હતો. જિનેન્દ્ર ભગવંતોની ભાવભીની પ્રતિષ્ઠા
કરીને બીજે દિવસે (તા. ૨) સવારમાં ઉદયપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું.
વચ્ચે, ઉદયપુરથી ૪૦ માઈલ પર કેસરીયાજીમાં મંદિરમાં દર્શન કર્યા ને પછી
થોડીવારમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો; –પ્રવેશતાંવેંત લખ્યું હતું કે ‘ગુજરાત આપનું
સ્વાગત કરે છે.’ બામણવાડા પહોંચતાં ગુજરાતના ભાઈઓએ તેમ જ ગામની
જનતાએ ઉત્સાહથી સ્વાગત કર્યું. શરૂમાં જ ચૈત્યાલયમાં ભગવાન પાર્શ્વનાથપ્રભુનાં
દર્શન કર્યા...ને માંગળિક પ્રવચન કર્યું. બામણવાળા જોકે નાનું ગામ છે પણ અહીંના
ભાઈશ્રી ચંદુભાઈએ ઉત્સાહપૂર્વક બધી વ્યવસ્થા કરી હતી ને ગુજરાતના સેંકડો
ભાઈઓ પણ આવ્યા હતા. બપોરે પણ આખા ગામની જનતા પ્રવચન સાંભળવા
ઉમટી હતી ને ગુરુદેવે પણ દેશી ગુજરાતી ભાષામાં પ્રસન્નતાપૂર્વક ભાવભીનું
પ્રવચન કર્યું હતું. લગભગ બે માસ બાદ મીઠી ગુજરાતી ભાષામાં ગુરુદેવના
પ્રવચનનો પ્રવાહ મુક્તપણે વહેતો હતો, ને ગ્રામ્યજનતા પણ સમજે એવી સુગમ
શૈલીથી પ્રવચન થયું હતું. પ્રવચન બાદ અહીંના ચૈત્યાલયમાં પૂ. બેનશ્રી–બેને ભક્તિ
કરાવી હતી.–આ