Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
જેમ દીવાને દેખવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, દીવો પોતે જ
પોતાને પ્રકાશી રહ્યો છે કે હું દીવો છું; તેમ આ આત્મા ચૈતન્યપ્રકાશી દીવો પોતે જ
પોતાને સ્વસંવેદનમાં પ્રકાશી રહ્યો છે, જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે કે હું
જ્ઞાન છું.–આ રીતે આત્મા સ્વયં પ્રકાશી રહ્યો છે, એને પ્રકાશવા માટે બીજાની જરૂર
પડતી નથી. ઉપયોગમાં મારો આત્મા છે ને રાગમાં મારો આત્મા નથી–એમ ધર્મી
સ્પષ્ટપણે પોતાને રાગથી ભિન્ન અનુભવે છે. રાગથી ને ઈન્દ્રિયોથી પાર એવા
અન્તર્મુખ ઉપયોગવડે આત્મા પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે, ને એ અનુભવમાં
પરમ આનંદ થાય છે.
રાગમાં એવી તાકાત નથી કે આત્માને જાણે; જ્ઞાનમાં જ એની તાકાત છે કે
આત્માને જાણે. આ રીતે રાગ અને જ્ઞાનની ભિન્નતાનો નિર્ણય કરીને જ્ઞાનવડે
આત્માનું સ્વસંવેદન કરતાં ભેદજ્ઞાન થાય છે; ભેદજ્ઞાન થતાં જ આત્મા પોતાને રાગાદિ
બંધભાવોથી જુદો અનુભવે છે.–આવા અનુભવ વડે બંધનથી છૂટાય છે ને મોક્ષ પમાય
છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ આવો અનુભવ થાય છે. અહા, આ સ્વસંવેદનનો
અપાર મહિમા છે, બધા ગુણોનો રસ સ્વસંવેદનમાં સમાય છે. આવા શાંત
અનુભવરસને ‘રસેન્દ્ર’ કહ્યો છે એટલે કે બધા રસોમાં શાંતરસ તે શ્રેષ્ઠ છે. આવા
રસનો અનુભવ કેમ પ્રગટે તેની આ વાત છે.
શિષ્યે પૂછયું છે કે મારો આત્મા આસ્રવોથી કઈ રીતે છૂટે?
આ પ્રશ્ન પૂછવા આવ્યો ત્યારે અશુભથી તો છૂટેલો જ છે, અશુભથી નિવર્ત્યો
ત્યારે તો આ સત્સમાગમે આવીને પ્રશ્ન પૂછે છે.
તેનો પ્રશ્ન એમ સૂચવે છે કે એકલા અશુભથી છૂટીને તે અટકી જતો નથી, પણ
અશુભ ને શુભ એવા બધા આસ્રવોથી છૂટીને આનંદસ્વરૂપ આત્માનો અનુભવ કરવા
માંગે છે. પ્રભો, મારો આત્મા પાપથી કેમ છૂટે? એમ ન પૂછ્યું, પણ આસ્રવોથી એટલે કે
પાપ અને પુણ્ય બંનેથી મારો આત્મા કેમ છૂટે ને જ્ઞાનસ્વરૂપ આત્મા કઈ રીતે
અનુભવમાં આવે? એમ પૂછ્યું છે. આટલી તો પ્રશ્નકાર જિજ્ઞાસુની ભૂમિકા છે; આટલી
વિચારદશા સુધી તો તે આવ્યો છે.
એવા જિજ્ઞાસુ શિષ્યને આચાર્યભગવાન પ્રથમ તો આત્માના સ્વરૂપનો નિર્ણય
કરવાનું કહે છે. કેવો નિર્ણય કરવો તેનું આ વર્ણન ચાલે છે.