Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
પ્રકાશશક્તિને લીધે આત્મા સ્વસંવેદનવડે સ્વયં પ્રકાશે છે, પોતે પોતાની
સ્વાનુભૂતિવડે સ્પષ્ટ પ્રકાશે–એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. આવા સ્વભાવને
પ્રકાશિત કરનારા જે પ્રવચનો ૪૭ આત્મશક્તિ ઉપર પૂ. ગુરુદેવે કર્યા તે છપાઈ
રહ્યા છે; તેમાંથી પ્રકાશશક્તિનો થોડોક નમૂનો આત્મધર્મ અંક ૨૭૯ માં આપ્યો
હતો. ત્યાર પછીનો ભાગ અહીં આપીએ છીએ. જે ‘સ્વાનુભવ’ માટે મુમુક્ષુને ઉત્તમ
પ્રેરણા આપે છે.
*
જેમ બિલ્લી લોટનજડી નામની વનસ્પતિની આસપાસ ઘૂમ્યા કરે છે, તેમ મોહથી
આત્મા નિજવૈભવને ભૂલીને પરદ્રવ્યમાં ઉપયોગને ભમાવ્યા કરે છે,–જાણે કે આમાંથી મને
સુખ મળશે! પણ અંદર પોતે પોતાના આત્મવૈભવને જોતો નથી–કે જેમાં પરમ સુખ ભર્યું
છે. ભાઈ! અંદર નજર તો કર, તું તો શાશ્વત આનંદનો નિધાન છો; કેવળી પ્રભુની વાણી
પણ જેનો મહિમા ગાય, સુધાનો જે અમૃતસાગર, એવો તું; અરે! તારા સુખના દરિયાને
ભૂલીને પુણ્ય–પાપના કીચડમાં તું અટકી ગયો? રાગને જ પોતાનું સ્વરૂપ માનીને એનાથી
તેં લાભ માન્યો, પણ અનંત ગુણસ્વરૂપ તારા નિજવૈભવને તેં ન જાણ્યો. તારું નિજસ્વરૂપ
અનંતગુણનો રસકંદ, જે મનના શુભ વિકલ્પથીયે પાર, તેના ઉપર લક્ષ કર તો તેનો કોઈ
અપૂર્વ આનંદ તને તારાથી અનુભવાશે.
પોતે પોતાને જાણવામાં આત્મા સ્વતંત્ર છે, તેમાં કોઈ બીજાનું જરાય અવલંબન
નથી. સ્વયં પ્રકાશે ને સ્પષ્ટ પ્રકાશે, એટલે બીજાનું અવલંબન લ્યે નહિ ને અસ્પષ્ટતા
રહે નહિ–એવા સ્વસંવેદનસ્વરૂપ આત્મા છે.
સ્પષ્ટ જ્ઞાનવડે આત્મા જણાય છે, એટલે કોઈ એકલા પરોક્ષ જ્ઞાનવડે આત્માને
જાણવા માંગે તો તે જાણવામાં આવે નહિ, બીજી રીતે કહીએ તો વ્યવહારના અવલંબને
આત્મા જણાય નહિ. સ્વપ્રકાશથી આત્મા પ્રકાશમાન થાય છે એટલે કે અનુભવમાં આવે છે.
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ ન થઈ શકે–એમ કોઈ માને તો તે વાત સાચી નથી.
જ્ઞાનમાં એવી તાકાત છે કે સ્વસંવેદનથી આત્માને પ્રત્યક્ષ કરે.