Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
નિરાલંબી આત્મામાં સ્વસંવેદનવડે આનંદનાં ઝરણાં ઝરે છે. ચૈતન્યના આ
આનંદપ્રવાહમાં વચ્ચે રાગાદિ મલિનતા નથી. ચૈતન્ય–અમૃતમાં વિકારરૂપી ઝેરનો સ્વાદ
કેમ હોય? આવું શુદ્ધસ્વરૂપ ઉપદેશનારા વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તે પૂજ્ય છે, વિનય
યોગ્ય છે; પણ તેથી કરીને તેમના તરફના શુભરાગવડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થઈ
જાય કે સ્વસંવેદનમાં આવી જાય–એવું વસ્તુસ્વરૂપ નથી. રાગની મર્યાદા રાગ જેટલી છે,
તેના વડે શુદ્ધ આત્માનું સ્વસંવેદન થઈ જાય–એવી એની મર્યાદા નથી. શુદ્ધ આત્માનું
સ્વસંવેદન તો રાગના ને મનના આધાર વગરનું છે. પ્રકાશશક્તિના આધારે તે કાર્ય
થાય છે, બીજું કોઈ સાધન તેમાં નથી.
ચૈતન્યમૂર્તિ આત્મા નિરાલંબી છે; તે સ્વશક્તિને જ અવલંબનારો છે ને પરને
અવલંબનારો નથી. પ્રકાશશક્તિરૂપ નિજગુણનું કાર્ય તો એ છે કે રાગ વગર સીધું જ્ઞાન
પોતે આત્માને વેદે; તે વેદનમાં અનંત ગુણોના સ્વાદનું પ્રત્યક્ષ વેદન સમાય છે, ને
અનંત આનંદ પ્રગટે છે. હજી તો આવા ભગવાન આત્માને શ્રદ્ધામાં પણ ન લ્યે; અરે!
પ્રેમથી તેનું શ્રવણ પણ ન કરે તેને તેનું પ્રત્યક્ષ સંવેદન તો ક્્યાંથી પ્રગટે? સ્વભાવ જેવો
છે તેવો પ્રતીતમાં લ્યે તો તેનું સંવેદન પ્રગટે.
અહા, ભરતચક્રવર્તી જેવા મહાપુરુષો ભગવાન પાસે જઈને નમ્રતાપૂર્વક
આત્માના સ્વસંવેદનની રીત પૂછતા, ને તે ઝીલીને પોતાના અંતરમાં તેવું સ્વસંવેદન
કરતા હતા. તેની આ વાત છે. આ કાળે પણ આત્માનું સ્વસંવેદન થઈ શકે છે. આવું
સંવેદન કેમ થાય એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય તેની આ વાત છે. જ્ઞાનને અંતર્મુખ
કરીને આત્માનું પ્રત્યક્ષ વેદન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે, એના સિવાય બીજા ઉપાયથી
સમ્યગ્દર્શન થતું નથી. આવા સત્ આત્માનો મહિમા આવે, તેની પ્રતીત થાય ને તેનું
વેદન થાય–તે અપૂર્વ છે, તે મંગળ છે, તે ધર્મ છે ને તે મોક્ષનો માર્ગ છે. ચોથા
ગુણસ્થાનથી જ અંશે પ્રત્યક્ષ સ્વાનુભવ થઈ જાય છે, ને નિઃશંક પ્રતીત થાય છે કે મારો
આત્મા સંપૂર્ણ પ્રત્યક્ષ સ્વસંવેદન સ્વભાવવાળો જ છે, જરાપણ પરોક્ષપણું રહે તે મારો
સ્વભાવ નહીં. આવી પ્રતીતવડે ધર્મીજીવે અનંતધર્મવાળા પોતાના શુદ્ધઆત્મામાં
અવિચલદ્રષ્ટિ સ્થાપી છે.
આ આત્મા ચૈતન્યહીરો વજ્ર જેવો છે, પરભાવનો એક કણ પણ તેમાં પ્રવેશી