ः ૧૪ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
(લેખાંક–૧પ : આ કથા આ અંકે પૂરી થાય છે)
પ્રિય પાઠક! આપણા કથાનાયક મહાત્માએ મહાબલના ભવથી માંડીને ભગવાન
ઋષભદેવ સુધીના દશ ભવમાં જે ધર્મસાધના કરી અને તીર્થંકર થઈને ધર્મતીર્થનું
પ્રવર્તન કર્યું તેનું જે વર્ણન ભગવત્ જિનસેનસ્વામીરચિત મહાપુરાણના ૨પ પ્રકરણ
સુધીમાં છે, તે આપે ટૂંકમાં અહીં સુધીમાં વાંચ્યું. ત્યારપછી ૨૬ મા પ્રકરણથી ૪૭ પ્રકરણ
સુધી ભરતચક્રવર્તીના દિગ્વિજય વગેરેનું, તેમજ બાહુબલી, જયકુમાર વગેરે
મહાપુરુષોના જીવનનું વર્ણન છે, અને પછી ઉત્તર–પુરાણમાં (પ્રકરણ ૪૮ થી ૭૬ માં)
બાકીના ૨૩ તીર્થંકરભગવંતો, ચક્રવર્તીઓ, રામચંદ્રજી, હનુમાનજી વગેરે મહાપુરુષોની
જીવનકથા છે. ભગવાન ઋષભદેવના શાસનકાળમાં થયેલા બીજા ભરતાદિ
મહાપુરુષોના જીવનનું વિસ્તૃત વર્ણન તો તે–તે પુરુષોના જીવનચરિત્રમાં કોઈ વાર
કરીશું, અહીં તો તેમના મંગલસ્મરણ–અર્થે ટૂંકો ઉલ્લેખ જ કરીશું; ને પછી છેલ્લે
કૈલાસધામ ઉપર પહોંચીને ભગવાનનો મોક્ષકલ્યાણક જોઈશું.
ભરત ચક્રવર્તી અને બાહુબલી
ભગવાન ઋષભદેવના મોટા પુત્ર, ને પૂર્વે અનેક ભવ સુધી તેમની સાથે રહેનાર
ભરત, પુરિતમાલનગરીમાં ભગવાન ઋષભદેવના સમવસરણમાં વંદના કરીને અયોધ્યા
આવ્યા; ત્યાં પુત્રજન્મનો તથા ચક્રરત્નની ઉત્પત્તિનો ઉત્સવ કર્યો, ને પછી છ ખંડનો
દિગ્વિજય કરવા નીકળ્યા. જ્યારે સૌરાષ્ટ્રદેશમાંથી પસાર થયા ત્યારે વચ્ચે ગીરનારનો
મનોહર પ્રદેશ આવ્યો: અહીં ભવિષ્યમાં નેમિનાથ તીર્થંકર થશે–એમ સ્મરણ કરીને
ભરતચક્રવર્તીએ તે ભૂમિની વંદના કરી. છખંડનો દિગ્વિજય કરીને પાછા ફરતાં
કૈલાસપર્વત ઉપર ભગવાન આદિનાથના ફરી દર્શન કર્યા. ભરતે ભગવાનના દર્શન
કરીને દિગ્વિજયની શરૂઆત કરેલી. તે આજે ૬૦૦૦૦ વર્ષબાદ દિગ્વિજયની
પૂર્ણતાપ્રસંગે તેને ફરીને ઋષભદેવપ્રભુનાં દર્શન થયા. તેની સાથે ૧૨૦૦ પુત્રો હતા,
તેઓએ પોતાના આદિનાથદાદાને પહેલી જ વાર દેખ્યા, ને દેખીને પરમ આશ્ચર્ય
પામ્યા! તેઓ પોતાની