Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૭ :
દિવ્યધ્વનિવડે આ દેશમાં ધીકતી ધર્મપેઢી ચાલતી હતી, તેમ જ જ્યારે આત્મજ્ઞાની સંત–
મુનિવરોનાં ટોળાં જ્યાં જોઈએ ત્યાં દેખવામાં આવતા અને તેમની પાસેથી પરમ સૂક્ષ્મ
તત્ત્વજ્ઞાનનો લાભ જગતના જીવોને મળતો ત્યારે તો આવા પ્રકારના બ્રહ્મચર્યાદિના
અનેક બનાવો બનતા, પરંતુ અત્યારે તો લોકોની વૃત્તિ ઘણી જ બાહ્ય થઈ ગઈ છે,
ધર્મના નામે પણ બાહ્ય વૃત્તિઓ પોષાઈ રહી છે, જૈનધર્મના નામે પ્રાય: અજૈનત્વનો
ઉપદેશ જોરશોરથી ચાલી રહ્યો છે અને એ રીતે વર્તમાનમાં જે મોક્ષમાર્ગ બહુ સુષુપ્ત અને
બહુ લુપ્ત અવસ્થામાં પડ્યો છે તેને સર્વથા લુપ્ત કરી દેવાના પ્રયત્નો જૈનધર્મના નામે
ચાલી રહ્યા છે.
(૩) પરંતુ એવા આ કાળે પણ ભવ્ય જીવોના મહાભાગ્ય બાકી છે અને પવિત્ર
જૈન શાસનનું પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન આ પંચમકાળના છેડા સુધી રહેવાનું છે તેથી, પરમ
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું મહાન્ પ્રભાવના યોગ સહિત આ કાળે પ્રાગટ્ય
થયું છે અને નિરંતર તેમના પરમ તત્ત્વજ્ઞાનના ઉપદેશનો લાભ હજારો મુમુક્ષુઓ લઈ
રહ્યા છે. જ્યારે ચારે તરફ ગૃહીત મિથ્યાત્વના પોષણની પેઢીઓ ચાલી રહી છે ત્યારે આ
પરમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ધીક્તી પેઢી શરૂ થઈ છે અને ખૂબ પ્રફુલ્લિત થઈ છે
ને થતી જાય છે; તેનાં અનેક સુશોભિત, મીઠાં–મધુર અને સુખમય ફળો આવ્યા છે;
અને તેમાંનું એક સુશોભિત–મીઠું–મધુરું અને સુખમય ફળ આ બહેનોના બ્રહ્મચર્ય
લેવાનો બનાવ છે.
(૪) કુમાર ભાઈઓ બ્રહ્મચર્ય ધારણ કરે તેના કરતાં કુમારિકા બહેનોએ
બ્રહ્મચર્ય ધારણ કરવું તે વિશેષ કઠિન કાર્ય છે, ને તેમાં વિશેષ પુરુષાર્થની જરૂર છે. છતાં
તેવી હિંમત સત્સમાગમે તત્ત્વજ્ઞાનના અભ્યાસપૂર્વક બહેનોએ પ્રગટ કરી છે અને તે પણ
તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધવા માટે છે. આ કાર્ય એવું સુંદર છે કે તે પ્રત્યે
સહૃદય માણસોને પ્રશંસાભાવ આવ્યા વગર રહે નહિ.
(પ) બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનારી બહેનો સારી રીતે સમજે છે કે આ બ્રહ્મચર્ય
પાલનની પ્રતિજ્ઞા તે શુભભાવ છે, તે ધર્મ નથી; પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા
અને ધર્મમાં પ્રવેશ કરનારા મુમુક્ષુ જીવોને અશુભ ભાવ ટળીને આવા પ્રકારના
શુભભાવ આવ્યા વગર રહેતા નથી. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ શુભભાવનું કાર્યક્ષેત્ર કેટલું
છે તે તેઓ જાણે છે. વળી તેઓ સમજે છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા જ
મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ હોતો નથી; તેથી તે માટેના પુરુષાર્થની જ
તેમની ભાવના છે, તેમની એ ભાવના સફળ થાઓ અને તેઓ આત્માની સંપૂર્ણ
શુદ્ધતાને અલ્પકાળમાં પામો એવી મારી પ્રાર્થના છે.