Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
આવો મહા ચૈતન્ય–રત્નાકર આત્મા જગતમાં સૌથી શ્રેષ્ઠ રત્ન છે. આવા શ્રેષ્ઠ ચૈતન્ય–
રત્નોનો મહા મોટો ભંડાર તું પોતે, ને બીજેથી તું સુખ લેવા જા એ તો, મીઠા પાણીના
દરિયામાં રહેતું માછલું પોતાની તરસ છીપાવવા બીજા પાસે પાણી માંગે એના જેવું છે.
જેમ ચક્રવર્તીરાજા બીજા પાસે ભીખ માંગે એ શોભે નહીં; તો ચક્રવર્તી પણ જેને સેવે
એવો આ મોટો ચૈતન્ય–ચક્રવર્તી, તે પોતાનું સુખ બીજા પાસે માંગે એ તેને શોભતું
નથી. આત્મા પોતે પોતાના સ્વભાવના સેવનથી જ શોભે છે. હે જીવ! તારું રૂપ તો
સ્વાધીનપણે પરિપૂર્ણ છે તેને બદલે પરને લઈને મારામાં ગુણ થાય એમ તું માને છે તે
તો તને મોહનું ભૂત વળગ્યું છે.
તારા કારણ–કાર્ય તારામાં છે–એ વાત સમજાવીને સંતોએ અપૂર્વ
સ્વાધીનતાનું જ્ઞાન કરાવ્યું છે. સ્વાધીન હોવા છતાં પોતે પોતાને પરાધીન માની
બેઠો હતો. ભાઈ, તારા કાર્યનું કારણ તારામાં જ છે, પરની સાથે તારા કોઈ પણ
ગુણને કારણ–કાર્યપણું છે જ નહિ, પછી બીજે શોધવાનું ક્્યાં રહ્યું? અંતર્મુખ થઈને
પોતાના સ્વભાવને જ સાધન બનાવ. સ્વભાવને સાધનપણે અંગીકાર કરતાં,
આત્મા પોતે સાધન થઈને કેવળજ્ઞાનાદિ કાર્યરૂપે પરિણમી જાય છે. પરના
અવલંબને કે રાગના અવલંબને આત્મામાં કેવળજ્ઞાનાદિ કાર્ય થાય–એવો આત્માનો
સ્વભાવ નથી. તેમજ પરવસ્તુમાં પણ એવો સ્વભાવ નથી કે તેઓ આત્માને કાંઈ
આપે, અથવા આત્માનું સાધન થાય.
અહા, કેટલો સ્વાધીન સ્વભાવ! કેટલી નિરાકુળતા ને કેટલી શાંતિ!
અનંત ગુણના વૈભવવાળા આ આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે રાગને
કરે ને કર્મને કારણરૂપ થાય. અને આત્મગુણના આશ્રયે જે નિર્મળ પરિણતિ પ્રગટી
તે પણ અન્યને (રાગને કે કર્મને) કારણરૂપ થતી નથી કે અન્યને પોતાનું કારણ
બનાવતી નથી. ધર્મીનો આત્મા કારણ થઈને રાગને કરે કે મકાન વગેરેની રચના
કરે–એમ નથી. જે શુભરાગ થાય તે રાગનું કારણ થવાનો આત્માનો સ્વભાવ નથી;
તેમજ પોતાના સ્વભાવકાર્યમાં રાગને કારણ બનાવે એવો પણ આત્માનો સ્વભાવ
નથી. આવો સ્વભાવ જેણે પ્રતીતમાં લીધો તેને અકારણ–કાર્ય–સ્વભાવનું સમ્યક્
પરિણમન પ્રગટ્યું, એટલે રાગાદિના કર્તૃત્વરહિત જ્ઞાનભાવપણે જ રહેતો તે મોક્ષને
સાધે છે.