: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
બે મિત્ર
આત્માને નિજસ્વરૂપની આરાધનામાં બે મિત્ર છે: એક વૈરાગ્ય અને બીજું
તત્ત્વજ્ઞાન.–આ બંને એકબીજાના પોષક છે. સ્વરૂપને સાધનાર જીવને આ બે મિત્ર પરમ
સહાયક છે. તેમના વડે ધ્યાન અને વીતરાગી સમાધિ પમાય છે.
* સમ્યગ્દર્શન થતાં આનંદનો અનુભવ થયો, ત્યાં નિઃશંકપણે ધર્મી જાણે છે કે આવો
આખોય આનંદ તે હું છું. જ્યાં પોતાનો આનંદ પોતામાં દેખ્યો, એનો સ્વાદ ચાખ્યો ત્યાં
પરમાં ક્્યાંય સુખબુદ્ધિ જ્ઞાનીને રહેતી નથી.
* સ્વભાવ સમજવાના ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવમાં તને થાક નથી
લાગતો,–પણ અરે ભાઈ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન હોય, એમાં તો
પરમ ઉત્સાહ હોય...એ તો અનાદિના થાક ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક
લાગે ને સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.
* અહા, કેવો સ્વતંત્ર અને સુંદર આત્મસ્વભાવ છે! બસ, આવા સ્વભાવથી આત્મા
શોભે છે, તેમાં વચ્ચે રાગ કે વિકલ્પ ક્્યાં રહ્યો? આત્માના વૈભવમાં વિભાવ નથી. આવા
સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા તે ખરો આત્મા છે. આવા આત્માને શ્રદ્ધે–જાણે–અનુભવે તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, ને તે મોક્ષમાર્ગ છે.
અડોલ મેરુ પર્વત
શુદ્ધતાના મેરૂપર્વત જેવો જે આ ચૈતન્યસ્વભાવ, તેમાં વચ્ચે ક્્યાંય વિકાર ભર્યો નથી.
અસંખ્યપ્રદેશી આત્મા અચલમેરુ છે, ગમે તેવી પ્રતિકૂળતામાં પણ નિજસ્વરૂપથી તે ડગે નહિ,
તેના ગુણની એક કાંકરી ચલે નહીં, કે એક પ્રદેશ પણ હણાય નહીં. જેમ મેરૂપર્વત એવો સ્થિર
છે કે ગમે તેવા પવનથી પણ તે હલે નહીં, તેમ ચૈતન્યમેરુ આત્મા નિજસ્વભાવમાં એવો
અડોલ છે કે પ્રતિકૂળતાના પવનથી તે ઘેરાય નહીં, તેના કોઈ ગુણ કે ગુણની પરિણતિ હણાય
નહીં. આવા સ્વભાવના શ્રદ્ધાજ્ઞાન કરનાર ધર્માત્મા પ્રતિકૂળ સંયોગના ઘેરા વચ્ચે પણ
સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી ડગતા નથી. તે નિઃશંક જાણે છે કે હું તો જ્ઞાન છું.
* રે જીવ! આ જરાક દુઃખ પણ તારાથી સહન નથી થતું, તો આના કરતાં મહાન
દુઃખો જેનાથી ભોગવવા પડે એવા અજ્ઞાનમય ઊંધા ભાવોને તું કેમ સેવી રહ્યો છે?
જો તને દુઃખનો ખરો ભય હોય તો તે દુઃખના કારણરૂપ એવા મિથ્યાત્વાદિ ઊંધા
ભાવોને તું શીઘ્ર છોડ...ને આનંદધામ એવા નિજસ્વરૂપમાં આવ. જ્ઞાની સંતો પાસે આવ...તે
તને તારું આનંદધામ દેખાડશે.