ચોખા ક્્યાંથી નીકળે? તે બાઈએ માત્ર બાહ્ય અનુકરણ કર્યું. તેમ અજ્ઞાની જીવો
પણ જ્ઞાનીઓની ઊંડી અંતરદ્રષ્ટિને ઓળખતા નથી અને માત્ર તેમના શુભરાગનું
અને બહારની ક્રિયાનું અનુકરણ કરે છે. જ્ઞાનીઓને અંતરમાં પુણ્ય–પાપની
લાગણીઓ ઉપર દ્રષ્ટિ હોતી નથી, અને જડ શરીરની ક્રિયા મારે લીધે થાય છે–એમ
તેઓ માનતા નથી, તેમની દ્રષ્ટિનું જોર અંતરમાં નિજપદ ઉપર હોય છે કે હું
અનાદિઅનંત ધ્રુવસ્વભાવી જ્ઞાયકમૂર્તિ આત્મા છું.– એવી અંતરંગદ્રષ્ટિને તો
અજ્ઞાની જાણતો નથી, અને અવસ્થામાં વર્તતી પુણ્ય–પાપની લાગણીઓને તથા
દેહાદિની ક્રિયાને જુએ છે, અને તેનાથી જ ધર્મ થતો હશે એમ તે માને છે; એટલે
ફોતરાં ખાંડનાર બાઈની માફક, તે પણ ફોતરાં જેવા શુભરાગમાં ને દેહાદિની
ક્રિયામાં અટકી રહે છે. જ્ઞાનીઓ તો પોતાના અંતરમાં સ્વભાવ તરફનું વલણ કરી
રહ્યા છે, સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપી કસ તો અંદરમાં ઉતરે છે
(અર્થાત્ આત્મામાં અભેદ થાય છે), તેનું ફળ બહારમાં દેખાતું નથી; અસ્થિરતાના
કંઈક રાગને લીધે પૂજા–ભક્તિ–વ્રત વગેરે શુભરાગ તેમ જ વેપાર–ધંધા વગેરે
સંબંધી અશુભરાગ થાય તેને જ્ઞાની ફોતરાં સમાન જાણે છે તથા દેહ–મન–વાણીની
ક્રિયા તો જડની છે; તે બંનેથી ભિન્ન પોતાના નિજસ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે.
આવી દ્રષ્ટિને લીધે ધર્મીને ક્ષણે ક્ષણે અંતરમાં નિજપદ તરફનું વલણ છે. વચ્ચે
પુણ્ય–પાપની લાગણી ઊઠતાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે અને દેહાદિની ક્રિયા તેના
કારણે સ્વયં થતી હોય છે, તેને જ અજ્ઞાની જુએ છે. પરંતુ જ્ઞાનીને અંતરની ઊંડી
દ્રષ્ટિને લીધે ક્ષણે ક્ષણે ધર્મ થાય છે, તેને તે જોતો નથી. ઓળખતો નથી.
અનેકાંતમાર્ગ કહ્યો છે તે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે જ ઉપકારી છે.
અનેકાંત એટલે શું? વસ્તુમાં નિત્ય–અનિત્ય વગેરે બબ્બે પરસ્પર વિરુદ્ધ ધર્મો
રહેલા છે, તેનું નામ અનેકાંત છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, અવસ્થાએ વર્તમાન
અશુદ્ધ છે–ઈત્યાદિ પ્રકારે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ વળવું તે જ
પ્રયોજન છે, અને તેનું નામ ‘સમ્યક્ એકાંત’ છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને
અવસ્થાએ અશુદ્ધ–એમ બબ્બે પડખાં જાણીને તેના વિકલ્પમાં અટકી રહે અને
શુદ્ધસ્વભાવ તરફ વળે નહીં, તો તેને નિજપદની પ્રાપ્તિ થાય નહીં, અને તેણે ખરેખર
અનેકાંતને જાણ્યો ન કહેવાય.