છેવટે તેમનો પોકાર છે કે–
કેવળજ્ઞાનની ને અનંત સુખની પર્યાયો સાદિ–અનંતકાળ પ્રગટ્યા કરે તેવી તાકાત ભરી
છે, એવો પરિપૂર્ણ આત્મા દ્રષ્ટિમાં તો આવ્યો છે– પ્રતીતિમાં આવ્યો છે, સ્વભાવની
નિઃશંકતા પ્રગટી છે; અને એ સ્વભાવના આશ્રયે અલ્પકાળે સંસારનો અંત કરીને
મોક્ષદશા પ્રગટ કરવાની ભાવના હતી,–‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં
વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ
અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો’
વાત સાથે લીધી છે. અંતરમાં સમ્યક્ એકાંત એવા નિજપદ ઉપર દ્રષ્ટિ પડી છે, અને
સ્વભાવ તરફ પુરુષાર્થનો વેગ વળ્યો છે, પણ સ્વભાવમાં વળતાં વળતાં વચ્ચે વીર્ય
અટકી ગયું, પૂર્ણતાના પુરુષાર્થમાં ન પહોંચી શકાયું, એટલે એકાદ ભવ બાકી રહ્યો, તેનું
જ્ઞાન વર્તે છે; છતાં સ્વભાવની નિઃશંકતા જાહેર કરતાં કહે છે કે–
એ દ્રષ્ટિના જોરે સ્વરૂપસ્થિરતા પ્રગટ કરીને અલ્પકાળે પૂર્ણદશા પ્રગટ કરવાના છીએ.
‘સ્વાત્મવૃત્તાંત’ માં નિઃશંકતાપૂર્વક કહે છે કે–
તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે...ધન્ય રે.
મનુષ્ય થઈને પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરશું–તેમાં ત્રણકાળ ત્રણલોકમાં શંકા પડતી નથી.
‘અપૂર્વ અવસર’ ની છેલ્લી કડીમાં પણ આ સંબંધમાં લખે છે કે–
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.....