“આત્મધર્મ” Regd. No. G. 182
હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા........જાગૃત થા.
(આસો સુદ બીજના વૈરાગ્યભીના પ્રવચનમાંથી)
* રે જીવ! મરણ જેટલી પ્રતિકૂળતા આવે તોપણ તું તારા આત્માનો અનુભવ
કર...સ્વરૂપને જોવા માટે કુતૂહલ કર એટલે કે તીવ્ર જિજ્ઞાસા કર. શુદ્ધ ચૈતન્યને દેખતાં
તને આનંદ થશે. આ દેહ તો સંયોગરૂપ છે, ક્ષણમાં તેનો વિયોગ થઈ જશે; અત્યારે પણ
તે જુદો જ છે. માટે તેનો મોહ છોડી ચૈતન્યતત્ત્વ જ પરમ ઉપાદેય છે. અત્યંત દ્રઢપણે
ભેદજ્ઞાનનો ઉદ્યમ કરીને આત્માને અનુભવમાં લે.
* અરે ક્્યાં ચેતનમૂર્તિ આત્મા! ને ક્્યાં આ જડ શરીર! બંનેને કાંઈ લાગતું
વળગતું નથી, જરાપણ એકતા નથી. દેહથી તદ્ન જુદો એવો આત્માનો ચૈતન્યવિલાસ
અનુભવમાં લેતાં જ તારો મોહ છૂટી જશે, શરીર મારું–એવી મિથ્યાબુદ્ધિ મટી જશે.
* ભાઈ, શરીર તો તારામાં કદી છે જ નહિ; તું તો ચૈતન્ય છો. ચૈતન્યનો
અનુભવ આનંદરૂપ છે; તેમાં મોહ નથી, રાગ નથી. આવા તારા ચૈતન્યની શુદ્ધિને
ભૂલીને તું દેહની મમતામાં બેશુદ્ધ થઈ રહ્યો છે!–પણ એકવાર તો સર્વ ઉદ્યમથી તારા
ભિન્ન ચૈતન્યને દેખ...આત્માને ભવની મૂર્તિ એવા દેહથી જુદો અનુભવમાં લે. એને
અંતરમાં દેખતાં જ તારા મિથ્યાત્વનો નાશ થઈ જશે, ને અપૂર્વ સમ્યક્ત્વ થશે. તારા
અંતરમાં તને ચૈતન્યના પત્તા લાગશે.
* મિથ્યાત્વ કઈ રીતે મટે છે? તો કહે છે કે, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુને
સ્વસંવેદન પ્રત્યક્ષવડે અનુભવમાં લેતાં મિથ્યાત્વ જરૂર મટે છે, ને સમ્યગ્દર્શન થાય છે,
આનંદનો અનુભવ થાય છે.
* ભાઈ, આ શરીર છે તે તો જડરૂપે રહ્યું છે, તે કાંઈ તારારૂપે થઈને રહ્યું નથી,
એટલે તે તું નથી. તું તો એનાથી સાવ જુદો ચૈતન્યરૂપ છો...દેહથી ભિન્ન એવા તારા
નિજરૂપને જોવાની તું જિજ્ઞાસા કર. તીવ્ર જિજ્ઞાસા કરીને તું તારા આત્માને અનુભવમાં લે.
* મુમુક્ષુએ આ અસારસંસારથી વિરક્ત થઈને શીઘ્ર આત્માનો અનુભવ કરવા
જેવું છે. જો એ અનુભવ ન કર્યો તો આ મનુષ્યભવ મળ્યો તે ન મળ્યા જેવું છે,
મનુષ્યપણું તો વીજળીના ઝબકારા જેવું છે, તેમાં સત્સંગ પામીને આત્માનો અનુભવ
કરી લેવો–એ જ કરવાનું છે, બાકી બીજું કાંઈ કરવા જેવું છે જ નહિ. માટે–
હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા...જાગૃત થા.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨૪૦૦)