: ૧૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
રાગ અને જ્ઞાનને ખરેખર ત્યારે જ જુદા જાણ્યા કે જ્યારે રાગથી જુદો પરિણમે
ને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકે; આ રીતે ભેદજ્ઞાન થતાંવેંત શુદ્ધતારૂપ પરિણમન થાય જ છે.
આવું પરિણમન થયું ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થયો.
* * *
ભગવતીચેતના કહો કે પ્રજ્ઞાછીણી કહો, તેના વડે બંધનથી જુદો શુદ્ધ આત્મા
અનુભવાય છે. શુદ્ધ આત્મા ચેતનામાત્ર વસ્તુ છે. તેમાં રાગ–દ્વેષ–મોહાદિ અશુદ્ધભાવો
એકમેક નથી, પણ બંને વચ્ચે સંધિ છે–સાંધો છે, લક્ષણભેદ છે. એકક્ષેત્રે હોવા છતાં બંને
એકસ્વભાવે નથી, બંનેના સ્વભાવ વચ્ચે મોટો આંતરો છે. તે આંતરો લક્ષમાં લઈને
પ્રજ્ઞાછીણી એવી પડે છે કે અશુદ્ધતાને એકબાજુ કરીને, શુદ્ધચેતનાવસ્તુમાં પોતે એકાગ્ર
થાય છે. –આનું નામ ભેદજ્ઞાન, ને આ મોક્ષમાર્ગ.
બંધનનું સ્વરૂપ, બંધનથી છૂટવાનો ઉપાય–એ બધાના માત્ર વિચાર કર્યા કરે–
વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ બંધન છૂટે નહિ. બંધથી ભિન્ન એવા શુદ્ધાત્માને જાણીને તેમાં
જ્ઞાનને એકાગ્ર કરતાં બંધભાવો છૂટી જાય છે. તેને માટે ઉપયોગમાં સાવધાની જોઈએ.
रभसात् એટલે ઝડપથી પ્રજ્ઞાછીણી પડે છે–એમ કહીને પુરુષાર્થની તીવ્રતા બતાવી છે.
આવું ભેદજ્ઞાન કરે તે જીવને નિપુણ કહ્યો છે. બાકી બહારના જાણપણામાં નિપુણતા
બતાવે ને અંદરમાં રાગથી જુદા શુદ્ધાત્માનો અનુભવ કરતાં જો ન આવડે તો તેને નિપુણ
કહેતા નથી, તે ઠોઠ છે, આત્માને બંધનથી છોડાવવાની વિદ્યા તેને આવડતી નથી.
ભાઈ, આત્માનો શુદ્ધસ્વભાવ, અને અશુદ્ધતારૂપ બંધ તે બંને એકમેક થયા નથી
પણ વચ્ચે લક્ષણભેદરૂપ સાંધ છે, એટલે બંનેને જુદા અનુભવી શકાય છે, સૂક્ષ્મ
જ્ઞાનછીણી વડે તેમને જુદા પાડી શકાય છે. આત્મા અને બંધ બંને એવા એકમેક નથી
થઈ ગયા કે વચ્ચે જ્ઞાનછીણી ન પેસી થશે; બંને વચ્ચેનો ભેદ જ્ઞાનવડે જાણી શકાય છે;
ભેદજ્ઞાનવડે બંનેને ભેદી શકાય છે.
જેટલા ક્ષેત્રમાં ચેતનવસ્તુ છે, તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધભાવો છે, છતાં બંને
વચ્ચે ભાવભેદરૂપ (લક્ષણભેદરૂપ) મોટી તિરાડ છે. આ રાગનો સ્વાદ આકુળતારૂપ–
દુઃખરૂપ છે, ને જ્ઞાનનો સ્વાદ તો શાંત–સુખરૂપ છે, એમ વિવેકદ્વારા બંનેના સ્વાદની
ભિન્નતા જણાય છે; તીખી પ્રજ્ઞાદ્વારા તે બંનેને અત્યંત ભિન્ન જાણીને તે પ્રજ્ઞા
શુદ્ધસ્વરૂપમાં પેસીને તેને અનુભવમાં લ્યે છે, ને રાગાદિને જુદા કરી નાંખે છે.
તીખી પ્રજ્ઞા–તીખું જ્ઞાન, એટલે રાગથી ઘેરાય નહિ એવી ચેતના; તે અંતરના
ચૈતન્યસ્વભાવમાં પ્રવેશી જાય છે; અત્યંત સાવધાની વડે–ઉપયોગની જાગૃતિ વડે અંદરની
સૂક્ષ્મસાંધને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા, ને બીજીકોર અજ્ઞાનરૂપ એવા બંધભાવો,
તેમને સર્વથા જુદા કરી નાંખે છે. બંધભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી,