: ૩૭ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ભા વ ન ગ ર માં...ભા વ મં ગ લ
જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે
(મહા સુદ પાંચમના રોજ શ્રી જિનમંદિરના શિલાન્યાસ પ્રસંગે ગુરુદેવ
ભાવનગર પધાર્યા તે પ્રસંગના મંગલ પ્રવચનમાંથી. (સમયસાર કળશ ૩૩)
“नमः समयसाराय” એવા મંગલપૂર્વક
ગુરુદેવે કહ્યું કે આ દેહથી ભિન્ન આત્મા પોતે
આનંદસ્વરૂપ છે. જીવ અને અજીવની ભિન્નતાને
જાણતું જ્ઞાન, તે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ
થાય છે. ભેદજ્ઞાન થતાંવેંત જીવ આહ્લાદિત થાય
છે.
ભાઈ, અનાદિનું તારું તત્ત્વ દેહથી ભિન્ન
આનંદસ્વરૂપ છે. આવા આત્માનું જ્ઞાન તે જ
સાચું જ્ઞાન કહેવાય છે. જ્ઞાનની સંપદાવાળો
આત્મા છે, તેણે પોતાના સ્વરૂપનું જ્ઞાન કદી નથી
કર્યું. શ્રીમદ્રાજચંદ્ર પણ કહે છે કે–
‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત...રે
ગુણવંતા જ્ઞાની...અમૃત વરસ્યા છે પંચમકાળમાં.
ભાઈ, આ મનુષ્યજીવન તો ક્ષણમાં પૂરું થઈ
જતું દેખાય છે. આ દેહનાં રજકણો તો રેતીની
જેમ રખડશે. દેહ તો પુદ્ગલની રચના છે; ને
આત્મા તો જ્ઞાનઆનંદસ્વરૂપ છે. એવા આત્માને
જાણતાં આનંદરૂપ અમૃત વરસે છે, તે મંગલ છે.
આત્માના આનંદનો સ્વાદ જેમાં ન આવે તેને
ભગવાન ધર્મ કહેતા નથી. ધર્મનો પંથ આ છે કે
જ્ઞાનમૂર્તિ આત્માને સ્પર્શ કરીને પુણ્ય–પાપથી
ભિન્ન જ્ઞાનસ્વરૂપના અનુભવવડે આનંદ થાય.
સર્વજ્ઞ પરમેશ્વરે પૂર્ણ જ્ઞાન ને આનંદ પ્રગટ
કર્યા, તેઓ કહે છે કે આવા જ્ઞાન ને આનંદ
આત્માના સ્વભાવમાં છે તે જ પ્રગટ્યા છે,
બહારથી નથી આવ્યા. સ્વભાવમાં જ્ઞાન ને
આનંદ ભરેલા જ છે. જેમ ગોળ ગળપણ
વગરનો હોય નહિ. અગ્નિ ઉષ્ણતા
વગરનો હોય નહિ. અફીણ કડવાશ
વગરનું ન હોય. એમ દરેક વસ્તુમાં
પોતપોતાનો સ્વભાવ હોય છે; તેમ આત્મા
પણ પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી
ભરપૂર છે. આવા આત્માનું જ્ઞાન એવી
પ્રતીતિ ઉપજાવે છે કે દેહ અને રાગ
મારાથી ભિન્ન છે; આવી પ્રતીતિ આનંદ
સહિત પ્રગટે છે.
આત્માનો આવો અશરીરી ચિદાનંદ
સ્વભાવ, તેને ભૂલીને સંસારમાં ચાર
ગતિનાં શરીરો ધારણ કરવા એ તો શરમ
છે. આત્મામાં આનંદ છે તેને બદલે દેહમાં
ને રાગમાં આનંદને શોધે છે, એ અવિવેક
છે. રાગને કે શરીરને તો કાંઈ ખબર નથી,
કે પોતે કોણ છે? જીવના જ્ઞાનમાં જ એ
જાણવાની તાકાત છે; જ્યારે તે અમે જાણે
છે કે હું તો ચૈતન્ય છું, મારો સ્વાંગ તો
જ્ઞાનરૂપ છે, રાગાદિ તે મારો ખરો સ્વાંગ
નથી, ને દેહ તે પણ મારો સ્વાંગ નથી, તે
જડનો સ્વાંગ છે, આમ બંનેની ભિન્નતા
જાણતું જ્ઞાન પોતે આનંદરસ સહિત પ્રગટે
છે.–આવું આત્મજ્ઞાન કરવું તે અપૂર્વ
‘ભાવ–મંગલ’ છે.