ધન્ય એ ફાગણ સુદ બીજ...એ દિવસે હૃદયના આરામ ભગવાન સીમંધરનાથ
ભેટ્યા ને ભક્તોની હૃદયની ઊંડી ઊંડી અભિલાષાઓ પૂરી થઈ...
૨૮ વર્ષ પહેલાનો એ મંગળ પ્રસંગ અદ્ભુત અને અપૂર્વ હતો. જીવનમાં પહેલી
જ વાર જિનેન્દ્રદેવના પંચકલ્યાણક નીહાળીને મુમુક્ષુ હૃદયોમાં અનેરી ભક્તિ ઉલ્લસતી
હતી. ગુરુદેવ વગેરેના રોમેરોમે ભક્તિરસની અચ્છિન્નધારા વહેતી હતી.
સાધકજીવનના સાથીદાર એવા હે વિદેહીનાથ! અમે ભરતક્ષેત્રના ભક્તો અતિ
ભાવભીના હૃદયે અહર્નિશ આપને ભજીએ છીએ...અમારા પરમ સૌભાગ્યે આપને
સુવર્ણસન્દેશ અમને આ ભરતક્ષેત્રમાં પણ સાંભળવા મળ્યો છે. પ્રભો! આપના વિદેહ
પાસે અમારું ભરતક્ષેત્ર તો સાવ ગામડા જેવું, અને તેમાંય અમારું સોનગઢ તો સાવ
નાનું, છતાં અમારા ઉપર કૃપા કરીને આપ અહીં પધાર્યા...અને અમને ભરતક્ષેત્રમાં
પણ આપની ચરણસેવા આપી, તે આપની પરમ પ્રસન્નતા છે. પ્રભો! આપના પ્રતાપે
અમારું આ નાનકડું સોનગઢ પણ અમને તો આપના વિદેહ જેવું જ લાગે છે.–કેમકે આ
સૈકામાં જ જેમણે આપના પવિત્રચરણની સાક્ષાત્ સેવા કરી છે એવા સન્તો અમને
અહીં મળ્યા છે.