મહાવીર–જન્મની
મંગલ વધાઈ
(સંપાદકીય)
ચૈત્ર સુદ તેરસ.....
વીરજન્મની મંગલ વધાઈ!
તીર્થંકરના જન્મની એ વધાઈ ક્ષણમાત્રમાં વિશ્વભરમાં
પ્રસરી ગઈ, ને ત્રણલોકના જીવો ક્ષણભર સુખ પામ્યા....જેના
જન્મના પ્રભાવથી જગતમાં અજવાળા થયા એ આત્માના
દિવ્યમહિમાનું ચિંતન કરતાં ઘણાય જીવોના અંતરમાં જ્ઞાનના અજવાળાં પ્રગટયા.....ધર્મની
ધારા વર્દ્ધમાન થવા માંડી. તેથી એમનું નામ પડ્યું ‘વર્દ્ધમાન.’
બિહારની વૈશાલી અને કુંંડગ્રામ ધન્ય બન્યા.....માતા પ્રિયકારિણી અને સિદ્ધાર્થરાજા
જગતના માતા–પિતાનું બિરુદ પામ્યા......મોક્ષમાર્ગી હોવાની તેમને મહોર લાગી.
પ્રભુ વર્દ્ધમાન આરાધક તો હતા જ, સિંહના ભવથી માંડીને દસ–દસ ભવથી પુષ્ટ કરેલી
આત્મસાધના આ ભવે પૂર્ણ કરવાની હતી. દર્શનઆરાધના અને જ્ઞાન આરાધના તો જન્મથી જ
સાથે લાવ્યા હતા, એ આરાધના વર્દ્ધમાન કરતાં કરતાં ત્રીસ વર્ષની વયે તો સંસારથી વિરક્ત
થઈને પ્રભુએ ચારિત્રપદ ધારણ કર્યું, ને ‘પરમેષ્ઠી’ બન્યા....માતા–પિતા બિરાજમાન, છતાં એમના
મોહમાં એ ન રોકાયા. આત્મસાધક વીરને મોહનાં બંધન કેમ પાલવે? મોહના બંધન તોડીને પ્રભુ
નિર્મોહી બન્યા. તેમની આત્મસાધના ઉગ્ર બની.....અનેક પરિસહો આવ્યા, અનેક ઉપદ્રવો
આવ્યા....દેવોએય એમને ડગાવવા પ્રયત્ન કર્યો......પણ એ તો વીર હતા..... સ્વરૂપની સાધનાથી
એ ન ડગ્યા તે ન ડગ્યા....સાધકભાવની ધારાને વર્દ્ધમાન કરી કરી તેમણે કેવળજ્ઞાન સાધ્યું. ને ફરી
એકવાર કેવળજ્ઞાનકલ્યાણકના દિવ્યપ્રકાશથી વિશ્વના પ્રાણીઓ ઝબકી ઊઠ્યા....જિનમહિમા સર્વત્ર
પ્રસરી ગયો. રાજગૃહીમાં વિપુલાચલ પર દિવ્યધ્વનિના ધોધ વહ્યા ત્યારે એ વીરવાણી ઝીલીને
અનેકજીવો આત્મિકવીરતા પ્રગટ કરીને વીરમાર્ગે વિચર્યા......કોઈ ગણધર થયા તો કોઈ મુનિ
થયા, કોઈ અર્જિકા થયા, કોઈ શ્રાવક કે શ્રાવિકા થયાં, ઘણાય જીવો સમ્યક્ત્વ પામ્યા.–આમ–
સ્વપરમાં ધર્મવૃદ્ધિ કરીને વર્દ્ધમાને પોતાનું નામ સાર્થક કર્યું.....જીવન સાર્થક કર્યું.
એ મહાવીરનો આદર્શ ઝીલીને મુમુક્ષુજીવો આજેય વીરતાપૂર્વક એ વીરનાથના
વીતરાગીમાર્ગે વિચરી રહ્યા છે. આપણે પણ એ જ વીર–માર્ગે જઈએ.... ‘જય મહાવીર’