: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
સર્વજ્ઞપદ પ્રગટે છે. ત્યારે તે જીવ સર્વ પદાર્થોને જાણે છે અને પૂર્ણ સુખને અનુભવે છે.
આવા સર્વજ્ઞપદને ભવ્ય જીવો જ ઓળખે છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન છે. તે સ્વભાવની પ્રતિકૂળતા તે દુઃખ છે, અને તે
સ્વભાવમાં પ્રતિકૂળતાનો અભાવ તે સુખ છે. સ્વભાવની પ્રતિકૂળતા અથવા સ્વભાવનો
પ્રતિઘાત–એટલે શું? જ્ઞાન–દર્શન પોતે અતીન્દ્રિય સ્વભાવવાળા હોવા છતાં, વિષયોમાં
પ્રતિબદ્ધપણું થતાં તેનો સ્વભાવ હણાય છે, એનું નામ સ્વભાવની પ્રતિકૂળતા છે.
અમર્યાદિત સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવા છતાં, તે સ્વભાવનો આશ્રય ન લીધો
ને પરાશ્રયમાં અટકી ગયો, એટલે સ્વભાવને ન અનુસરતાં પરને અનુસર્યો તેની
સર્વજ્ઞસ્વભાવથી પ્રતિકૂળતા થઈ, પર્યાયમાં રૂકાવટ થઈ; અંર્તસ્વભાવના આશ્રયે એકાગ્ર
થતાં તે રૂકાવટ ગઈ એટલે પ્રતિકૂળતા ટળી, અને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું; તે જ્ઞાન
અવિનાભાવી આનંદ વાળું છે.
આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વભાવી છે; તેનો પૂરો આશ્રય કરતાં સ્વભાવનો
પ્રતિબંધ રહે નહિ. સ્વભાવનો પ્રતિઘાત થાય નહિ, એ જ પૂર્ણ સુખ છે. અને સ્વભાવનો પૂરો
આશ્રય ન લીધો ત્યારે રાગવાળું ક્ષાયોપશમિક જ્ઞાન પોતે જ્ઞેયોમાં પ્રતિબદ્ધ થયું, એટલે
જ્ઞાનના પૂર્ણ સ્વભાવનો પ્રતિઘાત થયો; કોઈ બીજાએ નથી રોકયું પણ જ્ઞાને પોતે સ્વભાવનો
પૂરો આશ્રય ન લીધો એટલે તે જ પોતે જ્ઞેયોમાં અટકતું થકું પ્રતિબદ્ધ– વાળું થયું.
આત્મા સર્વજ્ઞસ્વભાવથી પૂરો પ્રભુ છે, તેનામાં પ્રભુત્વશક્તિ છે; એની
પ્રભુત્વશક્તિનો પૂર્ણ વિકાસ કરતાં પર સમયની પ્રવૃત્તિ છૂટી જાય છે. અર્હંતાદિ પ્રત્યેના
રાગમાં રોકાવું તે પણ જ્યાં પરસમય પ્રવૃત્તિ અને કલેશ છે, ત્યાં કુદેવાદિનાં સેવનરૂપ
મિથ્યાપ્રવૃત્તિની તો વાત જ શી! અહીં તો કહે છે કે પૂર્ણ જાણવાના સામર્થ્યરૂપ
સર્વજ્ઞસ્વભાવ અલ્પ મર્યાદામાં રોકાઈ જાય તે પણ પ્રતિબંધ અને દુઃખ છે. સ્વભાવનો પૂર્ણ
આશ્રય ત્યાં નથી તેથી દુઃખ છે. સ્વભાવનો પૂર્ણ આશ્રય લેતાં રાગાદિના પ્રતિબંધનો
અભાવ થાય છે ને પૂર્ણ જ્ઞાન સહિત પૂર્ણ આનંદ પ્રગટે છે.
બાપુ! આ મનુષ્ય અવતાર તો ક્ષણમાં વીંખાઈ જશે; તેમાં આ આત્માની પ્રભુતાનું
ભાન કરવા જેવું છે. બાળ–બચ્ચાંના શરીરમાં પણ ભગવાન આત્મા એવો ને એવો વર્તે છે,
તે કાંઈ દેહરૂપ થતો નથી. અંદર ચૈતન્યતત્ત્વ પરમાત્મશક્તિથી પૂરું છે; પણ બહારમાં
વિષયોમાં આનંદ માનનારા વિષયાનંદી જીવો તો મહા ઝેરને સેવે છે.