* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા વૈશાખ
વર્ષ ૨૬ : અંક ૭
સંપાદકીય
વિદેહક્ષેત્રના જે તીર્થંકરભગવાનની વાણી કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્
સાંભળી...એ જ તીર્થંકરભગવાનની વાણીની પ્રસાદી આપણને આજે
અહીં પ્રાપ્ત થાય છે–તે કેવી મહાન હર્ષની વાત છે! અહા, એ દિવ્યધ્વનિએ
જે શુદ્ધાત્મા બતાવ્યો તે શુદ્ધાત્મા આજે પણ આપણે અંતરમાં જોઈ શકીએ
અને એ રીતે તીર્થંકરભગવાનની વાણીનું રહસ્ય પામી શકીએ–એવો
અપૂર્વ ઉપદેશ આજે એક ભાવિતીર્થંકર આપણને સાક્ષાત્ સંભળાવી રહ્યા
છે. વાહ! આત્મહિત માટેનો કેવો અપૂર્વ સુયોગ મળ્યો છે!
શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ કરવા માટે અત્યારે આપણે માટે શું
વિદેહમાં ને ભરતમાં કાંઈ ફેર છે? કહાનગુરુની દેશના ઝીલ્યા પછી
નિઃશંક રીતે આપણે કહી શકીએ કે ના; આત્મઅનુભૂતિ પ્રગટ કરવા માટે
તો આપણે આજે વિદેહક્ષેત્ર કે ભરતક્ષેત્ર બંને સરખાં જ છે. કહાનગુરુના
પ્રતાપે આત્મઅનુભૂતિ પ્રાપ્ત કરવાનું આપણને પણ વિદેહના જીવો જેવું જ
સુગમ બની ગયું છે. અનુભૂતિનો માર્ગ બતાવીને ગુરુદેવે આ ભરતક્ષેત્રનું
ગૌરવ વધાર્યું છે.....ને મહાવિદેહના એક નાનકડા ભાઈ જેવું તેને બનાવી
દીધું છે. વિદેહથી આવેલા આ મહાત્મા દ્વારા ધર્મની આવી મહાન
પ્રભાવના થતી દેખીને એ વિદેહના ધર્મપ્રેમી સાધર્મીઓ પણ ગૌરવ
અનુભવતા હશે... કે વાહ! અહીંથી ગયેલા એ રાજકુમાર ભરતક્ષેત્રમાં
જૈનધર્મની કેવી ઉન્નતિ કરી રહ્યા છે! અને ભરતક્ષેત્રના જીવો કેવા ભાવથી
એમનો રત્નચિંતામણિજન્મોત્સવ ઉજવી રહ્યા છે! ખરેખર, ભરતક્ષેત્રને
માટે તો એ ધર્મના રત્નચિંતામણિ જ છે.
અહો, સાધર્મીજનો! આવા રત્નચિંતામણિને પામીને આપણે
તેમની પાસેથી મનોવાંછિત એવા ચૈતન્યચિંતામણિની પ્રાપ્તિ કરીએ.
ચૈતન્યરત્નચિંતામણિ એવા હે ગુરુદેવ! અમારા મનોરથ પૂર
કરોજી.
–હરિ