વીતરાગવિજ્ઞાનની પ્રસાદી
[છહઢાળા ઉપર પૂ. ગુરુદેવનાં પ્રવચનો વીતરાગવિજ્ઞાનના છ પુસ્તકરૂપે
પ્રકાશિત થઈ રહ્યા છે, પહેલું પુસ્તક પ્રગટ થઈ ગયેલું છે. (કિંમત પચાસ પૈસા) બીજું
પુસ્તક છપાય છે. તેમાંથી થોડોક નમૂનો અહીં આપ્યો છે. ]
જયાં–જ્યાં સમ્યગ્દર્શનાદિ છે ત્યાં જ સુખ છે અને જયાં–જ્યાં મિથ્યાત્વાદિ છે ત્યાં
દુઃખ જ છે;–પછી નરક હો કે સ્વર્ગ હો. તિર્યંચમાં કે નરકમાં, સ્વર્ગમાં કે મનુષ્યમાં, –બધે
ઠેકાણે દુઃખનું કારણ તો જીવના મિથ્યાત્વાદિ ભાવ જ છે. કર્મ તો માત્ર નિમિત્ત છે, જીવથી
તે ભિન્ન છે. ભાઈ! તારા ઊંધા ભાવ અનુસાર કર્મ બંધાયુ એટલે રખડવાનું ખરૂં કારણ
તારો ઊંધો ભાવ જ છે; તે ઊંધો ભાવ છોડ તો તારું પરિભ્રમણ મટે. સમ્યગ્દર્શન વગર
જીવનું પરિભ્રમણ કદી ટળે નહીં. ભાઈ, મિથ્યાત્વને લીધે જન્મ–મરણનાં ઘણાં દુઃખો તેં
ભોગવ્યાં, માટે હવે તો તે મિથ્યાત્વાદિને છોડ... છોડ. આ ઉત્તમ અવસર તને મળ્યો છે.
શુભરાગથી સ્વર્ગ મળે, પણ શુભરાગથી કાંઈ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણ ન
મળે. રાગ તે દોષ છે, તે દોષ વડે ગુણની પ્રાપ્તિ કેમ થાય? મિથ્યાત્વ અને રાગદ્વેષ તે
પોતે દુઃખ છે, તેનું ફળ દુઃખ છે. તો તે મોક્ષસુખનું કારણ કેમ થાય? – ન જ થાય.
વીતરાગવિજ્ઞાન તે સુખ ને રાગદ્વેષ–અજ્ઞાન તે દુઃખ, આમ જાણીને હે જીવ! દુઃખના
કારણોથી તું પાછો વળ, ને વીતરાગવિજ્ઞાન પ્રગટ કર.
***
પોતે પોતાના ચૈતન્યપ્રભુને દેખવાની દરકાર જ જીવ ક્્યાં કરે છે? નવરો હોય,
કાંઈ કામ ન હોય તોપણ કાંઈક ધર્મના વાંચન–વિચારને બદલે મફતનો પારકી ચિન્તા
કર્યાં કરે છે. પાર વગરની પારકી ચિન્તામાં વ્યર્થ કાળ ગુમાવે છે પણ આત્માના હિતની
ચિન્તા કરતો નથી અરે! શું હજી તને ભવનાં દુઃખનો થાક નથી લાગતો? ભાઈ! આ
મનુષ્યપણામાંય નહિ ચેત, તો પછી ક્્યારે ચેતીશ?
સંસારમાં ભમતાં જીવે રૌ–રૌ નરકનાં દુઃખો પણ ભોગવ્યાં ને સ્વર્ગમાં દેવ થઈને
ત્યાં પણ દુઃખ જ ભોગવ્યુું; પાપ અને પુણ્ય એવા કષાયચક્રમાંથી બહાર નીકળીને તે
સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવમાં તે કદી ન આવ્યો. અહીં આચાર્યદેવ વીતરાગવિજ્ઞાન
સમજાવીને સંસારદુઃખથી છોડાવે છે.
આવી શૈલીના સુગમ ઉપદેશ માટે વીતરાગવિજ્ઞાન–પુસ્તકો વાંચો.
***