Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 42

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૫ :
જીવોને બહારની વાત સારી લાગે છે, ને તેમાં રાગાદિ કરીને રોકાઈ જાય છે;
પણ તે રાગાદિથી પાર ઉપયોગસ્વરૂપ આત્મા અંદરમાં શું ચીજ છે તે લક્ષમાં લેતા નથી.
તેનો પ્રેમ કરતા નથી. ભાઈ, તું બહારની વાત સારી લગાડે છે તેને બદલે તારો
ઉપયોગસ્વરૂપ આત્મા જ સારો લગાડ. આનંદકંદ આત્મામાં એક વિકલ્પનો અંશ પણ
નથી; એક શુભ વિકલ્પને (–ભલે તે વિકલ્પ વીતરાગ ભગવાન તરફનો હોય–તેને)
પણ જે આત્માનું સ્વરૂપ માને છે, કે તેનાથી મોક્ષમાર્ગનો લાભ થવાનું માને છે, તેણે
ઉપયોગસ્વરૂપ આત્માને જાણ્યો નથી, તે રાગાદિને જ આત્મા માને છે, ખરેખર તે જડને
આત્મા માને છે; કેમકે રાગ તે ચેતનની જાત નથી. જ્ઞાનથી વિરુદ્ધ જેટલા ભાવો છે તેને
જે આત્માના ઉપયોગ સાથે એકમેક માને છે તેને જડ–ચેતનની ભિન્નતાનું ભાન નથી,
એટલે ભેદજ્ઞાન નથી.
જીવ સદાય ઉપયોગસ્વરૂપ છે. તે ઉપયોગનું ઉપયોગરૂપે પરિણમવું ને રાગરૂપે ન
પરિણમવું તેનું નામ ધર્મ છે. ધર્મી જીવ પોતાના ઉપયોગની સાથે રાગના કણને પણ
ભેળવતા નથી. એકકોર ઉપયોગસ્વરૂપ આતમરામ; અને સામે બધા રાગાદિભાવો ને
જડ પદાર્થો–તે ઉપયોગથી જુદા;–આવું અત્યંત ભેદજ્ઞાન કરતાંવેંત બંધભાવના કોઈ પણ
અંશમાં જીવને એકત્વબુદ્ધિ–હિતબુદ્ધિ કે પ્રેમબુદ્ધિ રહેતી નથી; એકલા પોતાના
ઉપયોગસ્વરૂપ શુદ્ધ આત્માને જ એકત્વબુદ્ધિથી–હિતબુદ્ધિથી–પ્રેમબુદ્ધિથી અનુભવે છે.
આવો આત્મઅનુભવ તે મોક્ષમાર્ગ છે.
અરે ભાઈ! તારા ઉપયોગસ્વરૂપ આત્માને તો તું ઓળખતો નથી, ને બહારથી
રાગમાંથી ધર્મ લેવા માંગે છે તે તો તારો પશુ જેવો અવિવેક છે. જેમ પશુઓ ઘાસ અને
ચૂરમાને ભેળસેળ કરીને ખાય છે તેમ તું પણ અજ્ઞાનથી ઘાસ જેવા રાગાદિને અને
ચૂરમા જેવા ઉપયોગને ભેળસેળ એકમેક માનીને અશુદ્ધતાનો સ્વાદ લ્યે છે, તે અવિવેક
છે. ભાઈ, અંદરમાં રાગથી ભિન્ન તારા ચૈતન્યસ્વાદને ઓળખ, તેના અનુભવથી તને
રાગાદિ પરભાવોથી આત્માનું અત્યંત ભિન્નપણું દેખાશે.
જડ અને ચેતનને જગતમાં કદી એકપણું થાય નહીં. જો ચેતન પોતે જડ થઈ
જાય, કે જડ પોતે ચેતન થઈ જાય, તો જગતમાં કોઈ પદાર્થ રહે જ નહીં. જડનું સદાય
જડપણું છે ને ચેતનનું સદાય ચેતનપણું છે. હવે તે ઉપરાંત અહીં તો જે રાગાદિ–ક્રોધાદિ
ભાવો છે તે પણ જીવના ઉપયોગસ્વભાવથી જુદા હોવાથી તેમને અચેતનપણું છે. –આ
રીતે અંદરના સૂક્ષ્મભેદજ્ઞાનની વાત છે. આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.