Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 48

background image
આપણે ઉજવીએ દીવાળી
‘દીવાળી’ એટલે દીપાવલી.......દીપકોની હારમાળા વચ્ચે
ઉજવાયેલો મહોત્સવ, –જેનું ખરૂં નામ છે નિર્વાણમહોત્સવ, અથવા
મહાવીર ભગવાનની મુક્તિનો મંગલ મહોત્સવ.....જગતને
વીરનાથના વીતરાગમાર્ગનો સન્દેશ આપનારું આ મંગલપર્વ
અઢીહજાર વર્ષથી એકધારૂં ઉજવાતું રહ્યું છે.
આસો વદ અમાસનું એ ઝગઝગતું પરોઢિયું, માત્ર ઘીના
દીપકોના પ્રકાશથી જ નહીં પરંતુ રત્નત્રયના વીતરાગી પ્રકાશથી
ઝગઝગતું હતું......અને જગતને સન્દેશ આપતું હતું કે હે જીવો!
વીરનાથે પ્રકાશિત કરેલા રત્નત્રયમાર્ગને તમે અનુસરો....જે
રત્નત્રયવડે વીરનાથે સિદ્ધપદ સાધ્યું તે રત્નત્રયના દીવડા તમે
પણ આત્મામાં પ્રગટ કરો.
વીરપ્રભુની મુક્તિનો એ મંગલઉત્સવ સૌથી ઉત્કૃષ્ટપણે
ઉજવ્યો ગૌતમગણધરે–આત્મામાં તે જ દિવસે જ્ઞાનના અનંત
દીવડા પ્રગટ કરીને! અનેક વીતરાગી સન્તોએ પણ રત્નત્રય–
દીવડા કરીકરીને એ મોક્ષમહોત્સવ પોતાના આત્મામાં ઉજવ્યો.
આજે અખંડ કેવળજ્ઞાનદીવડો ભલે આપણી પાસે ન હોય, પણ
એ જ મહાન દીવડામાંથી પ્રગટેલ શ્રુતજ્ઞાનનો દીવડો,
સમ્યગ્દર્શનનો દીવડો–આજેય આપણને મોક્ષની પ્રસાદી આપે છે
ને ભગવાનના આનંદની પ્રસાદી ચખાડે છે. –આપણે જઈએ એ
વીરમાર્ગે, અને ઉજવીએ રત્નત્રયદીવડાના પ્રકાશવડે દીવાળી.