Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : પ :
‘સમયસાર’ ની શરૂઆત પણ એવી અપૂર્વ કરી કે અનંતા સિદ્ધભગવંતોને
આત્મામાં સ્થાપીને મંગળ કર્યું. જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ હું છું–એમ
સિદ્ધભગવાનને આત્મામાં સ્થાપીને તેમને વંદન કર્યા. હું સિદ્ધ ને તું પણ સિદ્ધ–એમ
શ્રોતાને પણ ભેગો લઈને સમયસાર સંભળાવે છે, તું પણ આત્મામાં સિદ્ધપણું સ્થાપીને,
હા પાડીને હોંશથી સાંભળજે.
પરઘરમાં અનંતકાળ વીત્યો પણ સ્વઘરમાં આવતાં ઉત્સાહ હોય છે; સંસારમાં
રખડવામાં ભલે અનંતકાળ વીત્યો પણ સાધક થઈને મોક્ષને સાધતા કોઈને
અનંતકાળ ન લાગે; અસંખ્ય સમયથી વધારે સાધકપણામાં લાગે નહીં. જેમ સવારે
બળદ જ્યારે ઘરેથી નીકળીને ખેતરમાં મજુરી કરવા જતા હોય ત્યારે તેની ચાલમાં
વેગ ન હોય; ધીમે ધીમે જાય; પણ સાંજે જ્યારે આખા દિવસની મજુરીથી છૂટીને ઘરે
આવતા હોય ત્યારે ઉત્સાહભેર દોડતા આવે છે; હવે નિરાંતે ઘરમાં રહેશું ને
ગમાણમાં ચારો ચરશું–એમ તેને ઉત્સાહ છે. તેમ અજ્ઞાનથી સંસારમાં અનંતકાળ
સુધી રખડી રખડીને થાકેલો જીવ, જ્યારે અંતરમાં સ્વઘરે આવે છે ત્યારે ઉત્સાહથી
તેની પરિણતિ સ્વરૂપ તરફ દોડે છે, ને અસંખ્ય સમયના કાળમાં સંસારનો છેદ કરીને
પરમ આનંદરૂપ સિદ્ધપદને સાધી લ્યે છે.
અહો, આવા આનંદમય નિજપદને સાધવાની રીત આચાર્યદેવે આ
સમયસારમાં બતાવીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે; જગતને આત્માના
આનંદની ભેટ આપી છે. જેવો પૂર્ણાનંદનો સ્વાદ સર્વજ્ઞ પરમાત્માએ લીધો તેવો જ
આનંદનો સ્વાદ આત્મામાં પ્રગટે, ભલે પૂરો નહીં પણ અંશે, છતાં આનંદની જાત તો તે
જ,–એવો આનંદ આત્મામાં પ્રગટે ત્યારે ધર્મ થયો કહેવાય. આત્માના વૈભવરૂપ ધર્મ,
તેમાં આનંદની છાપ છે. ધર્મ થાય ને આત્માનો આનંદ ન પ્રગટે એમ બને નહીં. ચૈતન્ય
સરોવરમાં ડુબકી મારતાં અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. ચૈતન્યસરોવરનો હંસલો
આનંદરૂપી સાચા મોતીનો ચારો ચરે છે. હે જીવ! અમે આનંદના અનુભવપૂર્વક જે
શુદ્ધાત્મા બતાવીએ છીએ તે શુદ્ધાત્માને તું પ્રમાણ કરજે, વિકલ્પથી નહીં પણ
અંતરના સ્વાનુભવથી પ્રમાણ કરજે, આમ કહીને આચાર્યભગવાને અનુગ્રહપૂર્વક
જગતને આત્માના આનંદની ભેટ આપી છે.
(જામનગર–પ્રવચન, સમયસાર ગા. પ મહા સુદ પાંચમ)
* * * * *