Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 44

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
પહેલવહેલી આજે છૂટી, ગૌતમસ્વામી તે વાણી ઝીલીને ગણધર થયા અને તે વાણી ૧૨
અંગરૂપે ગૂંથી. તે જ વાણીની પરંપરામાં આ ષટ્ખંડાગમ વગેરે પરમાગમ રચાયાં છે;
તેમજ સમયસાર, અષ્ટપાહુડ વગેરે પરમાગમ પણ જિનવાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે
રચેલાં છે. કુંદકુંદસ્વામીએ તો આ પંચમકાળમાં પણ વિદેહક્ષેત્રે જઈને તીર્થંકર
પરમાત્માની દિવ્યવાણી સીધી સાંભળી હતી.
તે કુંદકુંદસ્વામી આ અષ્ટપ્રાભૃતમાં કહે છે કે હે જીવ! અંતરમાં તારા વિશુદ્ધ
આત્માને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન પ્રગટ કર, તે જ મોક્ષનું સોપાન છે. સમ્યક્ત્વની
આરાધના વગરનો જીવ સંયમનાં ગમે તેટલાં આચરણ કરે તોપણ તે નિર્વાણને પામતો
નથી. માટે પ્રથમ નિર્મોહપણે સમ્યગ્જ્ઞાન સહિત શુદ્ધ સમ્યક્ત્વની આરાધના કરવી.
જે જીવ સમ્યક્ત્વ વડે આત્માને આરાધે છે તે આરાધક જીવ કેવો હોય તે વાત
અહીં ચારિત્રપ્રાભૃત ગા. ૧૧–૧૨ માં કહે છે–
જે જીવ નિર્મોહપણે જિનસમ્યક્ત્વને આરાધે છે, તે જીવ વાત્સલ્ય, વિનય,
અનુકંપા, સુપાત્રદાનમાં દક્ષપણું, માર્ગના ગુણોની પ્રશંસા, ઉપગૂહન, ધર્મરક્ષા અને
આર્જવભાવ–એવા લક્ષણોથી લક્ષિત થાય છે.
જિનસમ્યક્ત્વ એટલે ભગવાન જિનદેવે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ જેવું સમ્યક્ત્વ
કહ્યું છે તેવા જિનસમ્યક્ત્વની આરાધના કરનાર જીવને ધર્માત્મા પ્રત્યે વાત્સલ્ય હોય
છે. ભગવાન જિનદેવના વીતરાગમાર્ગ સિવાય બીજા કોઈ કુમાર્ગના દેવી–દેવતાને જે
માને તે તો જિનમાર્ગનો વિરાધક છે, તેને તો જિનસમ્યકત્વની આરાધના હોતી નથી.
વીરપ્રભુના વીતરાગમાર્ગનો આરાધક જીવ નિર્દોષ વાત્સલ્યપૂર્વક ધર્મને સાધે છે. જેમ
ગાયને, પોતાના વત્સ પ્રત્યે કુદરતી વાત્સલ્ય હોય છે, તેમ ધર્માત્માને ધર્માત્માપ્રત્યે
સાધર્મી પ્રત્યે કુદરતી પ્રેમ–વાત્સલ્ય હોય છે. આનંદસ્વભાવનો પ્રેમ જગાડીને તેને જે
સાધે છે એવા સમ્યક્ત્વવંત જીવને ધર્મ પ્રત્યે સહેજે ઉત્સાહ આવે છે, ને જ્યાં ધર્મ દેખે
ત્યાં તેને વાત્સલ્ય ઊભરાય છે.
ધર્મનો જેને પ્રેમ ન હોય તેને ધર્મની આરાધના કેવી? ધર્મીને બીજા વિશેષ
ધર્માત્મા પ્રત્યે વિનય–સત્કાર–બહુમાન હોય છે. રત્નત્રયમાં પોતાથી જે વિશેષ હોય
તેના પ્રત્યે બહુમાન આવે, ઈર્ષા ન આવે. વળી ઉત્તમ દાનમાં તે દક્ષ હોય, અને દુઃખી
જીવો પ્રત્યે અનુકંપા હોય,–કે એ જીવો જિનમાર્ગ વગર દુઃખી થઈ રહ્યા છે,