Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 44

background image
સાધક.............................
‘તારું દર્શન પણ આનંદકારી છે’
હે સાધક! જગતની સર્વશ્રેષ્ઠ આનંદનિધિને પ્રાપ્ત કરીને તારામાં
તેને તું સાધી રહ્યો છે...તારી સાધના તારામાં જ સમાય છે ને તારું
સાધ્ય પણ તારામાં છે. પછી કોની તાકાત છે કે તારી સાધનામાં બાધના
કરે? સાધના એટલે જ આનંદ...તે આનંદસાધનામાં કોઈ સંયોગો નથી
તો અનુકૂળ, કે નથી પ્રતિકૂળ. સાધનાની પાડોશમાં રહેલા ક્રોધાદિ
પરભાવો તે પણ સાધનાને બાધા કરી નથી શકતા, કેમકે સાધના તો
તેનાથી પણ ક્યાંય ઊંડી છે. તે ઊંડાણમાં સાધક સિવાય બીજું કોઈ
પહોંચી શકતું નથી.–પરભાવો તેમાં પહોંચી શકતા નથી કે પરદ્રવ્યો તો
ક્યાંય દૂર છે. આવી ઊંડી આત્મસાધનામાં તત્પર હે સાધક! તું જ આ
જગતમાં ધન્ય છો...અનંતાનંત જીવોમાં તું જ મહાન છો, તેં મહાન
ચૈતન્યનિધાન પ્રાપ્ત કરી લીધા છે. તું સ્વયં તો આનંદરૂપ છો...ને તારું
દર્શન પણ આનંદકારી છે. તને દેખી–દેખીને જગતના જીવો આત્માના
આનંદની પ્રેરણા મેળવે છે ને દુઃખોને ભૂલી જાય છે. કુંદકુંદસ્વામી પણ
કહે છે કે હે સાધક! તું ધન્ય છો...તું કૃતકૃત્ય છો...તું શૂરવીર છો...તું
પંડિત છો.
અહા! તું જ સાચો આત્માર્થી અને તું જ સાચો મુમુક્ષુ થયો છે.
તારા જે મહાન ધ્યેય ઉપર તેં મીટ માંડી છે તે ધ્યેયના લક્ષે તું આગળ ને
આગળ જઈ રહ્યો છે; વચ્ચે પ્રતિકૂળતાના પહાડ આવે તોપણ તારા
ઉત્તમ માર્ગને રોકી શકવાના નથી. કેવા મહાન છે તારા દેવ! કેવા મહાન
તારા ગુરુ! કેવો ઉત્તમ તારો ધર્મ! ને કેવો મજાનો તારો માર્ગ! આવા
દેવ–ગુરુ–ધર્મ તારા હૃદયમાં બિરાજમાન છે અને માર્ગને સાધવામાં તેઓ
સદાય તારી સાથે જ છે, તોપછી તને કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી.
અહા! તને દેખીને અમારો આત્મા પણ અત્યંતપણે ચાહે છે કે તારા
માર્ગે આવીએ......ને તારા જેવા થઈએ.