: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
દુઃખમય સંસારથી આપ મારો ઉદ્ધાર કરો.......રત્નત્રયરૂપી જહાજ વડે આપ આ
ભવસમુદ્રથી મને તારો. સંસારમાં સુખ નથી તેથી તીર્થંકરો પણ સંસારને છોડીને મોક્ષને
સાધે છે. પ્રભો! હું પણ મુનિદીક્ષા લઈને તીર્થંકરોના પંથે આવવા ચાહું છું.
મુનિરાજે કહ્યું–હે ભવ્ય! તારી ભાવના ઉત્તમ છે. સંસારના સુખોથી જીવને કદી
સંતોષ થવાનો નથી, મોક્ષસુખ એ જ સાચું સુખ છે. જીવે ભવચક્રમાં ભમતાં ભમતાં
બીજા બધા ભાવો અનંતવાર ભાવ્યા છે, પણ આત્મભાવને કદી ભાવ્યો નથી,
સમ્યક્ત્વાદિ ભાવો કદી સેવ્યાં નથી. માટે આ મનુષ્યઅવતારમાં તેની જ ભાવના કરવા
જેવી છે. તું ચક્રવર્તીરાજને પણ અસાર જાણીને છોડવા તૈયાર થયો છે અને સારભૂત
રત્નત્રયને ધારણ કરવા તૈયાર થયો છે, તેથી તને ધન્ય છે. આમ કહીને તે મુનિરાજે
વજ્રનાભી ચક્રવર્તીને મુનિપદની દીક્ષા આપી. તે ચક્રવર્તી હવે રાજપાટ છોડીને
જિનમુદ્રાધારી મુનિ થયા. ચક્રવર્તીની છખંડની વિભૂતિના ઉપભોગથી તેઓ સંતુષ્ટ ન
થયા તેથી મોક્ષના અખંડસુખને સાધવા માટે તત્પર થયા. ધન્ય તે મુનિરાજ! તેમના
ચરણોમાં નમસ્કાર હો.–
ધન્ય મુનિશ્વર આતમહિતમેં છોડ દિયા પરિવાર....કિ તુમને છોડા સબ સંસાર...
ધન છોડા વૈભવ સબ છોડા, જાના જગત અસાર.....કિ તુમને છોડા સબ સંસાર...
આત્મસ્વરૂપમેં ઝુલતે......કરતે નિજ આતમ ઉદ્ધાર.....કિ તુમને છોડા સબ સંસાર..
ઊંચા હાથીના હોદે બેસનારા ચક્રવર્તી હવે ઊઘાડે પગે વનમાં ચાલવા
લાગ્યા...રત્નમણિ જડેલા વસ્ત્ર વગરના તે મુનિરાજ રત્નત્રયથી શોભવા લાગ્યા.
સોનાની થાળીમાં જમનારા ચક્રવર્તી હવે હાથમાં જ ભોજન લેવા લાગ્યા. એણે ૧૪
રત્નો છોડીને ત્રણ રત્નો લીધાં... નવનિધાન છોડીને અખંડ આનંદના નિધાનને સાધવા
લાગ્યા...છન્નું હજાર રાણીઓ અને છન્નું કરોડની સેના–તે બધાયનો સંગ છોડીને,
અસંગપણે વન–જંગલમાં વસવા લાગ્યા, ને ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કરવા લાગ્યા.
એકવાર તે મુનિરાજ જંગલમાં બેઠા બેઠા આત્માનું ધ્યાન કરી રહ્યા
હતા...સિદ્ધભગવાન જેવું પોતાના આત્માનું સુખ, તેનો વારંવાર અનુભવ કરતા
હતા..જંગલમાં આસપાસ શું બની રહ્યું છે તેનું તેમને લક્ષ નથી...શરીરનું પણ લક્ષ નથી,
દેહથી ભિન્ન આત્મા–હું જ પરમાત્મા છું–એવા ધ્યાનમાં એકાગ્ર હતા.
એવામાં........એવામાં દૂરથી સનસનાટી કરતું એક તીર આવ્યું ને એ મુનિરાજનું શરીર
વીંધાઈ ગયું........