દીવાળીને દિવસે
આટલું કરજો–
(સંપાદકીય)
(૧) સવારમાં મંગલ દીવડાના ઝગમગાટમાં ઊઠતાવેંત મહાવીર ભગવાનના
વીતરાગી ગુણોને યાદ કરજો...ને આપણે તેમના માર્ગે જઈને તેમના જેવા
થવાનું છે તેવી ભાવના ભાવજો.
(૨) ‘દીવાળી’ નો દિવસ આનંદથી શા માટે ઉજવાય છે તેનો સાચો ઈતિહાસ
જાણજો. એ દિવસે આપણા મહાવીર તીર્થંકર આ સંસારથી છૂટીને મોક્ષપદ
પામ્યા હતા–સિદ્ધપદ પામ્યા હતા, ને પાવાપુરીમાં ભગવાનના મોક્ષનો મહાન
ઉત્સવ દેવોએ તેમજ રાજાઓએ અને લાખો લોકોએ લાખો દીપકોના ઝગમગાટ
વચ્ચે ઉજવ્યો હતો.–આજે પણ આપણે એ ઉત્સવ દ્વારા મહાવીર ભગવાનના
મોક્ષગમનને યાદ કરીને તેની ભાવના ભાવીએ છીએ.
(૩) સવારમાં પહેલવહેલા તો આનંદ ઉલ્લાસ પૂર્વક ઘરમાં સૌ ભેગા મળીને
ભગવાનની સ્તુતિ કરજો...ભગવાનનું ઉત્તમ જીવન યાદ કરજો. પછી જિનમંદિરે
જઈ પ્રભુનાં દર્શન–પૂજન કરજો ને ત્યાંના ઉત્સવમાં હોંશથી ભાગ લેજો. દીવડા
વગેરે ઉત્તમ શોભાવડે પ્રસિદ્ધ કરજો કે આજે અમારા ભગવાનના મોક્ષનો દિવસ છે.
આજનો દિવસ એ સંસારના આનંદ–પ્રમોદનો દિવસ નથી, પણ મોક્ષની
ભાવનાનો દિવસ છે, એટલે નાટક–સિનેમા વગેરે પાપકાર્યોને આજે તો યાદ પણ ન
કરતા, દારૂખાનું ફોડવું–એ પણ કાંઈ દીવાળી ઉજવવાની સાચી રીત નથી. આજે તો
સિદ્ધપદને યાદ કરીને ઠેઠ મોક્ષ સુધીની ઊંચી ઊંચી ભાવનાઓ ભાવજો, ધર્મની વૃદ્ધિના
ઊંચા ઊંચા સંકલ્પ કરજો...અને જૈનધર્મની પ્રભાવના માટે, મહાન દેવ–ગુરુ–ધર્મની
સેવા માટે જે કાંઈ થઈ શકે તે તન–મન–ધનથી કરજો, કોઈ ઉત્તમ નવીન શાસ્ત્રની
સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ કરજો, સૌ સાધર્મીજનોને પ્રેમથી આદર–સન્માનપૂર્વક
આનંદથી હળજોમળજો,–ને એવી ઉત્તમ ધર્મચર્ચા કરજો કે જેના સંસ્કારના બળે આખાય
વર્ષમાં ઉત્તમ ભાવોની કમાણી થયા કરે...જ્ઞાનના મંગલ દીવડા પ્રગટે.
“અમે તો જિનવરના સંતાન........