Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 52

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
જેને ધર્મ કરવો હોય તેણે તે ધર્મપર્યાયમાં ધ્યેય કરવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય
આત્મા કેવો છે? તે ઓળખવો જોઈએ. ધ્યાન તે પર્યાય છે, શુદ્ધપારિણામિકભાવ
ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ધ્યાનપર્યાય પોતે ધ્યેયરૂપ નથી; અને ત્રિકાળીધ્રુવ પોતે
ધ્યાનપર્યાયરૂપ નથી. છતાં ‘આ ધ્યેય છે’ એમ નક્કી કર્યું છે ધ્યાનપર્યાય વડે; કાંઈ ધ્રુવ
તે નિર્ણય નથી કરતું. ઉત્પાદ–વ્યય–ધ્રુવયુક્ત સત્ છે; તેમાં ઉત્પાદ–વ્યય પરિણામ
નાશવાન છે, તે પર્યાયનું લક્ષ કરનાર જ્ઞાનનો વિષય છે, અને જે ધ્રુવ છે તે દ્રવ્યનયનો
વિષય છે, તે અવિનાશી છે. ભાઈ, આ બધા ભાવો તારા આત્મામાં સમાય છે. આ કોઈ
બીજાની વાત નથી, પણ તારા આત્મામાં જે બની રહ્યું છે તેની વાત છે.
હે યોગી! એટલે કે પોતાના આનંદસ્વરૂપમાં એકાગ્ર થઈને તેમાં ઉપયોગને
જોડનાર હે ધર્મી! ભગવાન આત્મા જિનદેવે એવો કહ્યો છે કે જે પરમાર્થે ઉપજતો કે
મરતો નથી. શુદ્ધાત્માની અનુભૂતિના અભાવમાં જન્મ–મરણ થાય છે, પણ ધ્રુવચીજ
ઉત્પન્ન થતી નથી કે મરતી પણ નથી. શુદ્ધાત્માની અનુભૂતિવડે આવા આત્માને હે
યોગી! તમે જાણો! યોગીઓ તો આવા આત્માને જાણે જ છે, પણ તેમને સંબોધીને
બીજા જીવોને પણ એવા આત્માનો અનુભવ કરવાનું કહ્યું છે.
‘વિકારની ઉત્પત્તિ આત્માના સ્વભાવમાંથી નથી થતી પણ કર્મથી તેને ઉત્પત્તિ
થાય છે’ –પણ એમ કોણ કહી શકે?–કે જેણે વિકાર વગરના પોતાના શુદ્ધઆત્માના
આનંદનો અનુભવ કર્યો છે તે જ જાણે છે કે મારા આ આનંદમાં રાગાદિ વિકારનો
અભાવ છે, અને હવે જુદાપણે જે થોડાક રાગાદિ રહ્યા છે તે સ્વભાવથી ઉત્પન્ન થયેલા
ન હોવાથી તેને કર્મથી ઉત્પન્ન થયેલા કહી દીધા. બાકી પર્યાયઅપેક્ષાએ તો તે પણ
પોતાનું પરિણમન છે એમ ધર્મીને લક્ષમાં લે. પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને ‘હું
ચૈતન્ય છું’ એવી જે અનુભૂતિ થઈ તેમાં રાગાદિ છે જ નહીં. એટલે તે અનુભૂતિની
પર્યાયમાં પણ જન્મ–મરણ કે રાગ–દ્વેષ નથી. જેને ‘શુદ્ધ’ નો અનુભવ નથી તે અજ્ઞાની
શુભાશુભમાં તન્મય થઈને પરિણમે છે, તે તો રાગરૂપે જ પોતાને (–આખા આત્માને)
અનુભવે છે. ધર્મી શુભાશુભ પરિણામને પોતાના જ્ઞાનથી અન્ય જ્ઞેયપણે દેખે છે. જેણે
સ્વાનુભૂતિવડે આનંદના સાગરનો સ્વાદ નથી લીધો તે જીવ અનુભૂતિના અભાવમાં
શુભાશુભકર્મબંધનું તથા જીવન–મરણનું કર્તૃત્વ જ દેખે છે. જો અંતર્મુખ થઈને
શુદ્ધઆત્માની અનુભૂતિ કરે તો તેને શુભાશુભના અકર્તારૂપ એવું જ્ઞાનપરિણમન પ્રગટે.
સ્વાનુભૂતિ–પર્યાય પ્રગટ થતાં આત્મામાં શું થયું?–કે નિર્મળ વીતરાગી ધાર્મિક