: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
મનુષ્ય થઈ, ચારિત્રદશામાં શુક્લધ્યાન પ્રગટ કરીને મોક્ષ પામે છે. અત્યારે ધર્મધ્યાનનો
પણ જે નિષેધ કરે છે તે મોક્ષમાર્ગનો જ નિષેધ કરે છે અને આત્માની શુદ્ધીનો જ નિષેધ
કરે છે. ભાઈ! તારા આત્મામાં ઉપયોગને જોડ! જેમ પરવિષયોને ધ્યેય બનાવીને તેમાં
ઉપયોગને એકાગ્ર કરે છે તેમ તારા આત્માને અંતરમાં ધ્યેય બનાવી સ્વવિષયમાં
ઉપયોગને એકાગ્ર કર, એટલે તને ધર્મધ્યાન થશે. આવા ધર્મધ્યાનથી જ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધતા પ્રગટે છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. હે ભાઈ! આવા
મોક્ષમાર્ગને અત્યારે શરૂ કરીશ તો એકાદ ભવમાં પૂરું થઈ જશે. પણ અત્યારે તેનો
નિષેધ કરીશ ને વિષયોમાં જ પ્રવર્તીશ તો તને મોક્ષમાર્ગ ક્યાંથી થશે? ચોથાકાળમાં
પણ કાંઈ આત્મામાં ઉપયોગની એકાગ્રતા વગર મોક્ષમાર્ગ થતો ન હતો, ત્યારે પણ
આત્મામાં ઉપયોગની એકાગ્રતારૂપ ધર્મધ્યાન વડે જ મોક્ષમાર્ગ થતો હતો, ને અત્યારે
પણ એવા ધર્મધ્યાન વડે મોક્ષમાર્ગ થાય છે. કુંદકુંદાચાર્યદેવ–અમૃતચંદ્રાચાર્યદેવ વગેરે કહે
છે કે આવો મોક્ષમાર્ગ અમે અમારા આત્મામાં અંગીકાર કર્યો છે, ને તમે પણ તેને
અંગીકાર કરો.....આજે જ અંગીકાર કરો.
અનાજ સાથેનું ઘાસ!
મુમુક્ષુની ભૂમિકામાં શુભભાવ
મુમુક્ષુ–જીવનમાં કેટલી સજ્જનતા હોય, કેટલી નૈતિકતા હોય,
પરસ્પર કેટલો પ્રેમ હોય? તે સંબંધી શ્રાવણ માસના પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે:–મુમુક્ષુ એટલે જેને મોક્ષની જિજ્ઞાસા હોય, એવા
મોક્ષના અભિલાષીને લૌકિક નીતિ–સજ્જનતા વગેરે હોય, એ તો
સાધારણ છે. જેને સર્વે પરભાવ વગરના આત્માને સાધવો છે તેને,
તીવ્ર અભક્ષ–ચોરી–અન્યાય વગેરે સ્થૂળ પાપભાવો તો હોય જ કેમ?
જેમાં વિકલ્પનો એક અંશ પણ પાલવતો નથી એવા આત્માના
સાધકને તીવ્ર પાપભાવો સ્વપ્નેય હોય નહીં. મોક્ષની સાધનામાં વચ્ચે
આવા શુભભાવ તો સહજ છે,–એ તો અનાજ સાથે ઊગેલા ઘાસ
જેવા છે. ધર્મીની દ્રષ્ટિ ને ધર્મીનો પ્રેમ આત્માનો આનંદ સાધવામાં
તત્પર છે, વચ્ચેના ઘાસ જેવા શુભરાગનોય પ્રેમ તેને નથી, તો પછી
અશુભની તો શી વાત!! આ તો વીતરાગભાવનો અલૌકિક માર્ગ છે.