Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 52

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
[] હાથી બારમા સ્વર્ગમાં.........સર્પ પાંચમી નરકમાં
આપણા ચરિત્રનાયકનો જીવ પહેલાં મરૂભૂતિ હતો, પછી હાથી થયો ને
મુનિરાજના ઉપદેશ વડે આત્મજ્ઞાન પામ્યો, પછી તેને સર્પ કરડતાં તે સમાધિમરણ
કરીને બારમા સ્વર્ગમાં દેવ થયો છે–તેનું નામ શશિપ્રભદેવ. તે સ્વર્ગની દિવ્ય વિભૂતિ
દેખીને આશ્ચર્ય પામ્યો અને અવધિજ્ઞાનથી જાણ્યું કે મેં પૂર્વે હાથીના ભવમાં ધર્મની
આરાધના સહિત જે વ્રત પાળ્‌યાં તેનું આ ફળ છે, આમ જાણીને તેને ધર્મ પ્રત્યે વિશેષ
બહુમાન થયું, પૂર્વ ભવમાં આત્મજ્ઞાન દેનાર મુનિરાજનો ઉપકાર ફરી ફરીને યાદ કર્યો;
અને પછી સ્વર્ગમાં બિરાજમાન શાશ્વત જિનબિંબની પૂજા કરી. દેવલોકની એ રત્નમય
શાશ્વત વીતરાગ મૂર્તિને દેખતાં જ તે અતિશય આનંદ પામ્યો, ને આવો જ મારો આત્મા
છે–એમ ભાવના કરી. તે અસંખ્યાત વર્ષો સુધી દેવલોકમાં રહ્યો; તે દરમિયાન અનેકવાર
પંચમેરુ તથા નંદીશ્વર દ્વીપના શાશ્વતા જિનમંદિરોની પૂજા કરી, સ્વર્ગમાં બીજા કેટલાય
સમ્યગ્દ્રષ્ટિ દેવો હતા, તેમની સાથે ધર્મની ચર્ચા વડે તે પોતાના શ્રદ્ધા–જ્ઞાનને પુષ્ટ કરતો
હતો. માણસની જેમ તેને દરરોજ ભૂખ ન લાગે, સોળહજાર વર્ષ વીત્યા ત્યારે તેને
ખાવાની ઈચ્છા થઈ, અને મનમાં અમૃતનું ચિંતન કર્યું ત્યાં તો ભૂખ મટી ગઈ. આઠ
મહિને એકવાર તે શ્વાસ લેતો હતો. તેને ચોથી નરક સુધીનું અવધિજ્ઞાન હતું અને
ત્યાંસુધી તે વિક્રિયા કરી શકતો હતો. એનું રૂપ દિવ્ય હતું ને દેવ–દેવીનો ઠાઠમાઠ વૈભવ
અપાર હતો. અસંખ્ય વર્ષ સુધી આવા દેવલોકના વૈભવ વચ્ચે રહેવા છતાં તે જીવ
આત્મજ્ઞાનને ભૂલ્યો ન હતો. બાહ્ય વૈભવથી ભિન્ન પોતાના ચૈતન્યવૈભવને તે જાણતો
હતો. તેને બહારમાં અનેક પ્રકારનાં કલ્પવૃક્ષ પાસેથી સુખસામગ્રી મળતી હતી, ને
અંદરમાં પોતાના ચૈતન્ય–કલ્પવૃક્ષના સેવનથી તે સાચું સુખ અનુભવતો હતો. જુઓ તો
ખરા, જૈનધર્મના પ્રતાપે એક પશુ પણ દેવ થયો, ને થોડા વખતમાં તો તે ભગવાન
થશે! અહા, જેના પ્રતાપે પશુ પણ પરમાત્મા બની જાય છે–એવા જૈનધર્મનો જય હો.
આપણે પણ સંસારથી છૂટીને પરમાત્મા બનવા માટે જૈનધર્મમાં કહેલા આત્માનું સ્વરૂપ
ઓળખવું જોઈએ.
શશિપ્રભદેવ અસંખ્યવર્ષ સુધી દેવલોકમાં રહ્યો, પછી તેને ખબર પડી કે
દેવલોકના આયુષ્યમાં મારે હવે છ માસ જ બાકી છે;–ત્યારે તે ગભરાયો નહીં પણ તેણે
ધર્મના ચિંતનમાં પોતાનું ચિત્ત લગાવ્યું; દેહથી આત્મા ભિન્ન છે–એમ તો તે જાણતો જ
હતો, ને સ્વર્ગના ઠાઠ–માઠમાં તેણે કદી સુખ માન્યું ન હતું, એટલે સ્વર્ગ છોડીને