અનેકાન્ત જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે.
પરભાવો તેનાથી જ્ઞાન અસત્ છે એટલે કે જ્ઞાન તે પરભાવોરૂપે થતું નથી. અહો,
જ્ઞાનનો પોતાનો સત્ભાવ કેવો છે. ને પરભાવોથી તેને ભિન્નતા કઈ રીતે છે તે
અનેકાન્તવડે જ સમજાય છે.
પરભાવરૂપે મારું જ્ઞાન પરિણમતું નથી એટલે તેનાથી નાસ્તિરૂપ છે; મારું જ્ઞાન
પોતે જ આવું અનેકાન્તસ્વરૂપ છે. મારા જ્ઞાનમાં પરભાવો જણાય ભલે, પણ મારું
જ્ઞાન કાંઈ તે પરભાવરૂપે પરિણમતું નથી, એનાથી કાંઈ મારું જીવન નથી, એને
લીધે જ્ઞાનનું અસ્તિત્વ નથી. જ્ઞાયકભાવરૂપ જે નિજભાવ છે તેનાથી જ મારું જીવન
છે, તેમાં જ મારું અસ્તિત્વ છે. જ્ઞાન પોતાના નિજભાવને કદી છોડતું નથી ને
પરભાવને ગ્રહતું નથી–આમ અનેકાન્ત વડે સ્વભાવ અને પરભાવની અત્યંત
ભિન્નતા જાણીને જ્ઞાની પરભાવોથી ભિન્નપણે અને નિજસ્વભાવથી અભિન્નપણે
આત્માને જીવાડે છે–એટલે કે આત્માને આવા સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમાવે છે. જ્ઞાનના
પરિણમનમાં પરભાવના અંશને પણ તે ભેળવતા નથી; જ્ઞાનરૂપે જ પરિણમતા થકા
મોક્ષને સાધે છે.
સામાન્યજ્ઞાનરૂપે જોતાં તેને નિત્યપણું છે; અને ક્ષણેક્ષણે પલટતી વિશેષજ્ઞાનપર્યાયરૂપે
જોતાં તેને અનિત્યપણું છે. આવા બંને ધર્મો જ્ઞાનમાં સમાય છે–એવું જ્ઞાનનું અનેકાન્ત
સ્વરૂપ છે.