હૃદયના ઉદ્ગારપૂર્વક કહે છે કે–
‘અમે મુનિઓના ચરણના દાસ છીએ.’
શ્રી પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યેની ભક્તિપૂર્વક
કાનજીસ્વામી ઘણી વાર કહે છે કે અહો! મુનિવરો તો
આત્માના પરમ આનંદમાં ઝુલતા ઝુલતા મોક્ષને સાધી રહ્યા
છે. આત્માના અનુભવપૂર્વક દિગંબર ચારિત્રદશાવડે મોક્ષ
સધાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત્ મોક્ષનો માર્ગ... એ તો
નાના સિદ્ધ છે... અંતરના ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં ઝુલતાં
વારંવાર શુદ્ધોપયોગવડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે.
પંચપરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિના
મહિમાની શી વાત! એવા મુનિનું દર્શન મળે તે પણ મહાન
આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનુદાસ
છીએ... તેમના ચરણોમાં અમે નમીએ છીએ... ધન્ય એ
મુનિદશા! અમે પણ એની ભાવના ભાવીએ છીએ.