: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
પોતાને જાણવામાં કોઈ રાગનું કે ઈન્દ્રિયોનું આલંબન નથી. રાગના અને
ઈન્દ્રિયોના આલંબનથી જે જણાય તે આત્મા નહિ. સ્વાનુભવમાં સ્વયં પોતે
પોતાને પ્રત્યક્ષ રૂપ કરે છે – એવો પ્રકાશસ્વભાવી આત્મા છે.
* બાપુ! ઈન્દ્રિયો જડ છે, તેના વડે તારું જ્ઞાન થતું નથી. ઈન્દ્રિયોનું આલંબન લેવા
જઈશ તો તારા આત્માને જાણી નહિ શકે. માતિ–શ્રુતજ્ઞાન ચોથા ગુણસ્થાને પણ
ઈન્દ્રિય – મનનું આલંબન છોડીને, આત્મસન્મુખ થઈને અતીન્દ્રિય – પ્રત્યક્ષરૂપ
થઈને પોતે પોતાના આત્માનો અનુભવ કરે છે. મતિ–શ્રુતજ્ઞાન પણ નિર્વિકલ્પ
થઈને સીધા આત્મસ્વભાવમાં પહોંચી વળે છે. આવું સ્વસંવેદન જ્ઞાન પ્રગટે
ત્યારે ધર્મ થયો કહેવાય.
* અરે, તારા જ્ઞાનથી તું પોતે છાનો રહે – એ કેમ બને? આત્મા જેમાં પ્રત્યક્ષરૂપ
ન થાય – એ જ્ઞાન નથી. સમ્યગ્દર્શન ત્યારે થાય છે કે જ્યારે જ્ઞાન અંતર્મુખ
થઈને પોતે પોતાના આત્માને પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ કરે છે.
* સ્વસંવેદનપ્રત્યક્ષપણું તેમાં રાગનું – વ્યવહારનું આલંબન નથી, તેમાં પરમાર્થ
સ્વભાવનું જ આલંબન છે. આવું પ્રત્યક્ષપણું તે સ્વસત્તા અવલંબી છે, તેથી તે
નિશ્ચય છે; અને પરોક્ષપણું રહે તે પરસત્તાવલંબી હોવાથી વ્યવહાર છે.
* હજી તો આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે – એવી સ્વઘરની
જેને ખબર ન હોય તેને ધર્મ ક્્યાંથી થાય? ને પરઘરમાં ભ્રમણ ક્્યાંથી અટકે?
આત્માની સ્વસંવેદન શક્તિને જે ઓળખે તે પોતાના સ્વાનુભવ માટે કોઈપણ
રાગાદિ પરભાવનું અવલંબન નહીં; અને જે પરભાવનું આલંબન માને તે
આત્મશક્તિને જાણે નહીં.
* તે જ ખરો વિદ્વાન છે કે જે પોતાના જ્ઞાનને અંતરમાં વાળીને પૂર્ણનંદ–સર્વજ્ઞ
સ્વભાવી આત્માને પ્રતીતરૂપ તથા સ્વસંવેદનરૂપ કરે છે. આત્માના સ્વસંવેદન
વગરનું જેટલું જાણપણું છે તે તો બધું થોથાં છે. જગતના જાદુમાં જીવ મોહાઈ
જાય છે પણ પોતાના ચૈતન્યનો મહાન ચમત્કાર છે તેની તેની ખબર નથી.
અહો, ચૈતન્ય ચમત્કાર જગતમાં સર્વોત્કૃષ્ટ છે.... જેનું ચિંતન કરતાં અપૂર્વ
આનંદ થાય છે.
* ચૈતન્યના સ્વસંવેદનની અદ્ભુત મહાનતા છે; ને મિથ્યાત્વમાં અત્યંત હીનતા છે.
– પણ જગતને એની ખબર નથી.