: ૩૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
મુમુક્ષુ કહે છે કે પ્રભો! તારા એકત્વના માર્ગે હું એકલો ચાલ્યો આવું છું. તારી
વીર–હાક સુણીને મોક્ષપંથે એકલો – એકલો (એકત્વમાં પરિણમતો –
પરિણમતો) ચાલ્યો આવું છું. જગત સામે જોવાનું મારે પ્રયોજન નથી. મુક્તિનો
માર્ગ તે ‘એકત્વનો માર્ગ’ છે; આત્મા સિવાય બીજા બધાથી તે નિરપેક્ષ છે.
જે પોતાની ચેતનામાં પરિણમે છે તે આત્મા છે. ચેતનાથી બહાર જે કાંઈ છે
તે આત્મા નથી. આત્મા પોતાની ચેતનાથી બહાર કદી પરિણમે નહિ.
અહા, એકત્વભાવનામાં તત્પર આત્માને કદી બંધન થતું નથી, દુઃખ થતું નથી,
તે પોતે પોતાના એકત્વના આનંદમાં જ ડોલે છે. હે જીવ! સંસારકલેશથી તું
થાક્્યો હો તો અંતરમાં તારા એકત્વને શોધ. “એકત્વ એથી નય – સૂજ્ઞ ગોતે.”
અજ્ઞાનીપણે સંસારના દુઃખ ભોગવવામાં તું એકલો હતો, મોક્ષમાર્ગને
સાધવામાં તું એકલો છો, અને સિદ્ધદશામાં પણ સાદિઅનંતકાળ તું એકલો જ
તારા નિજાનંદમાં મ્હાલીશ.
તારો ચેતનસ્વરૂપ આત્મા ખરેખર ‘એક’ છે; તેમાં બીજું કોઈ નથી. માટે
પરભાવમાં અહંપણું છોડીને તું જાગ, ને તારા એકત્વરૂપ શુદ્ધઆત્માને દેખ.
અરે, એકત્વસ્વરૂપ આત્માની અનુભૂતિમાં ‘હું જ્ઞાન છું’ એટલો વિકલ્પ પણ
જ્યાં નથી પાલવતો, ત્યાં બાહ્યલક્ષી બીજા રાગની તો શી વાત? ગુણભેદના
એક સૂક્ષ્મ વિકલ્પની પણ પક્કડ રહે ત્યાં સુધી એકત્વસ્વરૂપ શુદ્ધઆત્મા
શ્રદ્ધામાં – જ્ઞાનમાં કે વેદનમાં આવતો નથી. આત્માના એકત્વમાં જે
પરિણમ્યો તે સર્વે વિકલ્પથી જુદો થયો. જ્ઞાન અને વિકલ્પની સર્વથા ભિન્નતા
તેણે જાણી – અનુભવી.
તત્ત્વવેદી ધર્માત્મા એમ અનુભવે છે કે સર્વ વિભાવ વગરનું એક
શુદ્ધજીવાસ્તિકાય જ અમારું સ્વતત્ત્વ છે, બીજું કાંઈ અમારું નથી. – આવા
એકત્વનો અનુભવ કરનાર તત્ત્વવેદી જીવ અત્યંત અલ્પકાળમાં જ અતિ
અપૂર્વ સિદ્ધિને પામે છે.