સાધર્મી બંધુઓ, આ અંકની સાથે આપણા આત્મધર્મનું ૨૮મું વર્ષ પૂરું થાય
છે. પૂ. શ્રી કહાનગુરુની મંગલછાયામાં ૨૮ વર્ષથી આત્મધર્મદ્વારા આપણને સૌને
આત્મહિતનું જે માર્ગદર્શન અને પ્રેરણા મળે છે તે અલૌકિક છે. વીતરાગમાર્ગની
શરૂઆત આપણા આત્મામાંથી જ થાય છે, એવો આત્મસન્મુખી વીતરાગમાર્ગ પ્રાપ્ત
કરાવીને ગુરુદેવે જે અપૂર્વ ઉપકાર કર્યો છે. તેનું સ્મરણ કરીને ગુરુચરણોમાં હૃદય
નમી પડે છે.
શ્રી દેવ–ગુરુના શરણમાં, આત્મધર્મદ્વારા આપણે સૌ એક પરિવાર જેવા
બની ગયા છીએ. ગમે તેટલી દૂરદૂરની બે વ્યક્તિ મળે. પણ જો બન્ને આત્મધર્મના
વાંચનાર હોય તો, જાણે અત્યંત નીકટના પરિચિત એક પરિવારના જ હોય–એવો
પ્રેમ પરસ્પર થાય છે. આત્મધર્મના સમસ્ત પાઠકોને પોતાના સાધર્મી ભાઈ–બેન
સમજીને સંપાદશે કે તેમના ઉપર હંમેશા નિર્દોષ વાત્સલ્યપ્રેમ વરસાવ્યો છે, ને
સામેથી સમસ્ત પાઠકોએ પણ સંપાદક પ્રત્યે એવી જ લાગણી બતાવી છે.
આત્મધર્મદ્વારા બંધાયેલો આવો ધાર્મિકસંબંધ તે આપણી કિંમતી મૂડી છે.
બંધુઓ, આ અવસર આત્માને સાધવાનો છે. આત્માને સાધવાની સર્વ
સામગ્રી ગુરુપ્રતાપે આપણને મળી છે. તો હવે આવા ઉત્તમ–કાર્યમાં વાર શા માટે
લગાડવી? અત્યંત જાગૃત થઈને આત્માની આરાધનામાં તત્ત્પર થવું યોગ્ય છે.
આત્માની આરાધનાવડે સમ્યક્ ચૈતન્યદીવડા પ્રગટાવીને મોક્ષની મંગલ–દીપાવલી
ઊજવીએ... ને આનંદમય રત્નત્રયનાં તેજથી આત્મામાં ઝગઝગાટ પ્રગટાવીએ...
–બ્ર. હરિલાલ જૈન
સાથે સાથે અમારી એક નાનકડી સૂચના આપ તરત ધ્યાનમાં લેશો–નવાવર્ષનું
આપનું લવાજમ (ચાર રૂપિયા) એકાદ અઠવાડિયામાં જ [આત્મધર્મ કાર્યાલય,
સોનગઢ સૌરાષ્ટ્ર–એ સરનામે] મોકલી આપશોજી–જેથી વ્યવસ્થામાં અમને સરળતા
રહે. લવાજમ સાથે આપનું પૂરું સરનામું સ્પષ્ટ લખશોજી.