: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
સમ્યક્ત્વનો મહિમા જગાડનારી અને આઠ અંગના પાલનમાં ઉત્સાહ પ્રેરનારી
આ આઠ કથાઓ વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ પ્રસન્નતા બતાવી છે. અહીં ઉપસંહારરૂપે
આઠ અંગની કથાઓમાંથી જે ઉત્તમ પ્રેરણા મળે છે તેનું પુનરાવર્તન કરી લઈએ–
(૧) નિઃશંક અંગમાં પ્રસિદ્ધ અંજનકુમારની કથા જૈનધર્મની નિઃશંક શ્રદ્ધા કરીને
તેની આરાધના કરવાનું આપણને શીખવે છે.
(૨) નિઃકાંક્ષ અંગમાં પ્રસિદ્ધ અનંગમતીની કથા, સંસારસુખની વાંછા છોડીને
આત્મિક સુખને જ સાધવામાં તત્પર થવાનું આપણને શીખવે છે.
(૩) નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન રાજાની કથા આપણને એવો બોધ
આપે છે કે–ધર્માત્માના શરીરાદિને અશુચિ દેખીને પણ તેના ધર્મપ્રત્યે ગ્લાનિ ન કરો,
તેના સમ્યક્ત્વાદિ પવિત્રગુણોનું બહુમાન કરો.
(૪) અમૂઢદ્રષ્ટિ અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની કથા આપણને એમ કહે છે કે
વીતરાગપરમાત્મા અરિહંતદેવનું સાચું સ્વરૂપ ઓળખો અને તેમના સિવાયના બીજા
કોઈ પણ દેવ–ભલે સાક્ષાત્ બ્રહ્મા–વિષ્ણુ–શંકર જેવા દેખાતા હોય તોપણ તેને નમો નહીં.
જિનવચનથી વિરુદ્ધ કોઈ વાતને માનો નહીં. ભલે આખું જગત બીજું માને ને તમે
એકલા પડી જાઓ–તોપણ જિનમાર્ગની શ્રદ્ધાને છોડો નહીં.
(૫) ઉપગૂહન અંગમાં પ્રસિદ્ધ જિનભક્ત શેઠની કથા આપણને એમ શીખવે છે
કે સાધર્મીના કોઈ દોષને મુખ્ય કરીને ધર્મની નિંદા થાય તેમ ન કરવું; પણ પ્રેમપૂર્વક
સમજાવી તેને તે દોષથી છોડાવવો; અને ધર્માત્માના ગુણોને મુખ્ય કરીને તેની પ્રશંસા–
દ્વારા ધર્મની વૃદ્ધિ થાય તેમ કરવું.
(૬) સ્થિતિકરણમાં પ્રસિદ્ધ વારિષેણ મુનિરાજની કથા આપણને એમ શીખડાવે
છે કે, કોઈ પણ સાધર્મી–ધર્માત્મા કદાચિત શિથિલ થઈને ધર્મમાર્ગથી ડગતો હોય તો
તેના પ્રત્યે તિરસ્કાર ન કરવો પણ પ્રેમપૂર્વક તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવો. તેને
સર્વપ્રકારે સહાય કરીને, ધર્મનો ઉલ્લાસ જગાડીને, જૈનધર્મનો પરમ મહિમા સમજાવીને
કે વૈરાગ્યભર્યા સંબોધન વડે, હરકોઈ પ્રકારે ધર્મમાં સ્થિર કરવો. તેમ જ પોતે પોતાના
આત્માને પણ ધર્મમાં વધુ ને વધુ સ્થિર કરવો; ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ધર્મથી
જરાપણ ડગવું નહીં.