Atmadharma magazine - Ank 337
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 49

background image
કારતક: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
જેમ માતાના ખોળામાં બાળશ નિઃશંક છે કે આ માતા મારું હિત કરશે; તેને
શંકા નથી કે કોઈ મારશે તો માતા મને બચાવશે કે નહિં? તેમ જિનવાણી માતાની
ગોદમાં ધર્મી નિઃશંક હોય છે કે આ જિનવાણી મને સત્ય સ્વરૂપ બતાવીને મારું હિત
કરનારી છે, સંસારથી તે મારી રક્ષા કરશે. આવી જિનવાણીમાં તેને સંદેહ પડતો નથી.
પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા, તેમણે કેવળજ્ઞાનમાં વીતરાગભાવે આખા
વિશ્વને સાક્ષાત્ જોયું તે પરમાત્માને ઓળખીને તેમાં નિઃશંક થવું, ને તેમણે કહેલા
માર્ગમાં તથા તેમણે કહેલા તત્ત્વોમાં નિઃશંક થવું, તે નિઃશંકતા ગુણ છે.
રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામીએ આ સમ્યક્ત્વના આઠ અંગના
પાલનમાં પ્રસિદ્ધ આઠ જીવોનું ઉદાહરણ આપ્યું છે; તેમાં નિઃશંકિતઅંગમાં અંજન ચોરનું
દ્રષ્ટાંત આપ્યું છે. (આઠ અંગની આઠ કથાઓ ‘સમ્યક્ત્વકથા’ નામના પુસ્તકમાં,
અથવા તો સમ્યગ્દર્શન ભાગ ચોથામાં આપ વાંચી શકશો.) સમજાવવા માટે એકેક
અંગનું જુદુંજુદું દ્રષ્ટાંત આપ્યું છે, બાકી તો સમ્યગ્દ્રષ્ટિને એક સાથે આઠ અંગનું પાલન
હોય છે. પ્રસંગઅનુસાર તેમાંથી કોઈ અંગને મુખ્ય કહેવાય છે.
૨. નિ:કાંક્ષા – અંગનું વર્ણન
ધર્મીજીવો ધર્મદ્વારા ભવસુખની વાંછા કરતા નથી; એટલે પુણ્યને કે પુણ્યના
ફળને તે ચાહતા નથી; શુભરાગથી મને સ્વર્ગાદિ સુખ મળો એવી વાંછા તે ભવસુખની
વાંછા છે, તેવી વાંછા અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીએ તો પોતાના આત્માને જ સુખસ્વરૂપે
અનુભવ્યો છે એટલે હવે બીજે ક્યાંય સુખબુદ્ધિ તેને રહી નથી; તેથી તે નિષ્કાંક્ષ છે.
સમ્યગ્દ્રષ્ટિ નિઃકાંક્ષગુણવડે ભવસુખની વાંછાને નષ્ટ કરે છે. ‘ભવસુખ’ એમ અજ્ઞાનીની
ભાષાથી કહ્યું છે; ખરેખર ભવમાં સુખ છે જ નહિ, પણ અજ્ઞાની દેવાદિના ભવમાં સુખ
માને છે, આત્માના સુખની તો તને ખબર નથી. અરે, સમ્યગ્દ્રષ્ટિ તો આત્માના સુખને
અનુભવનાર, મોક્ષનો સાધક! તે સંસાર–ભોગોને કેમ ઈચ્છે? જેના વેદનથી
અનાદિકાળથી દુઃખી થયો તેને જ્ઞાની કેમ ઈચ્છે? ભવ–તન–ભોગ એ તો તેને
અનાદિકાળની એઠ જેવા લાગે છે, અનંતવાર જીવ તેને ભોગવી ચુક્યો પણ સુખનો
છાંટોય તેમાંથી ન મળ્‌યો.