ભાવ.–આમ અનેક પ્રકારના ચિંતનથી પોતાના આત્માને ધર્મમાં સ્થિર કરે; તથા બીજા
સાધર્મીજનોને પણ પોતાના જ સમજીને સર્વ પ્રકારની સહાયથી ધર્મમાં સ્થિર કરે.–
આવો ભાવ ધર્માત્માને હોય છે. કોઈને ઉપદેશવડે ઉત્સાહિત કરે, કોઈને ધનથી પણ
મદદ કરે, કોઈને શરીરની સેવા કરે, કોઈને ધૈર્ય આપે, કોઈને અધ્યાત્મની મહાન ચર્ચા
સંભળાવે, –એમ સર્વ પ્રકારે તનથી–મનથી–ધનથી–જ્ઞાનથી ધર્માત્માની મુંઝવણ મટાડીને
તેને ધર્મમાં દ્રઢ કરે. અરે, અનંતકાળે આવો મનુષ્યભવ ને આવો જૈનધર્મ મળ્યો, તેને
ચૂકી જશો તો ફરી અનંતકાળે આવો અવસર મળવો કઠણ છે. અત્યારે જરાક
પ્રતિકૂળતાના દુઃખથી ડરી જઈને જો ધર્મની આરાધના ચૂકી જશો તો સંસારમાં
નરકાદિના અનંત દુઃખ ભોગવવા પડશે. નરકાદિના દુઃખ પાસે તો આ પ્રતિકૂળતા કાંઈ
જ હિસાબમાં નથી. માટે કાયર થઈને આર્તપરિણામ ન કરો, વીર થઈને ધર્મધ્યાનમાં દ્રઢ
રહો. આર્તધ્યાનથી તો ઊલ્ટું વધુ દુઃખ થશે. સંસારમાં તો પ્રતિકૂળતા હોય જ, માટે
ધૈર્યપૂર્વક ધર્મધ્યાનમાં દ્રઢ રહો. તમે તો મુમુક્ષુ છો, ધર્મના જાણનાર છો, જ્ઞાનવાન છો,
તો આ પ્રસંગે દીન થવું શોભતું નથી, વીરતાપૂર્વક આત્માને સમ્યક્ત્વાદિની ભાવનામાં
દ્રઢપણે જોડો...પૂર્વે અનેક મહાપુરુષો પાંડવો સીતાજી વગેરે થયા તેમને યાદ કરીને
આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરો.–આમ પોતાના તેમજ પરના આત્માને
સંબોધન કરીને ધર્મમાં સ્થિર કરે છે, તે સમ્યગ્દ્રષ્ટિનું સ્થિતિકરણઅંગ છે. પ્રતિકૂળતા
આવે ત્યાં મુંઝાઈ ન જાય, તેમજ બીજા સાધર્મીને મુંઝાવા ન દ્યે. અરે, મરણ આવે કે
ગમે તેટલી પ્રતિકૂળતા આવે પણ હું મારા ધર્મથી ડગું નહીં, મારા આત્માની
આરાધનાને છોડું નહીં–એમ ધર્મી નિઃશંકપણે દ્રઢપરિણામથી પોતાના આત્માને ધર્મમાં
સ્થિર રાખે છે. કોઈ ભય બતાવે, લાલચ બતાવે, તોપણ ધર્મથી ડગતા નથી. મોક્ષનો
સાધક થયો તેના આત્મપરિણામમાં આવી દ્રઢતા હોય છે.
છે, તે કાંઈ ધર્મ નથી, પણ ધર્મીને ધર્મપ્રેમનો તેવો ભાવ આવે છે. શ્રેણીકરાજાના પુત્ર
વારિષેણમુનિએ પોતાના મિત્રનું મુનિપણામાં સ્થિતિકરણ કર્યું હતું–તેની કથા પ્રસિદ્ધ છે,
તે ‘સમ્યક્ત્વકથા’માં આપ વાંચી શકશો. આ રીતે સ્થિતિકરણ નામના છઠ્ઠા અંગનું
વર્ણન કર્યું.