૩૩૯
• સુંદર માર્ગ •
અહો, જિનભગવાને કહેલો શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ મહા
સુંદર છે. પોતાના પરમ તત્ત્વમાં સર્વથા અંતર્મુખ, અને પરદ્રવ્યથી
અત્યંત નિરપેક્ષ એવો આ સુંદર માર્ગ સદા આનંદરૂપ છે; હે
ભવ્ય! તું આવા માર્ગમાં ભક્તિપૂર્વક સદા પરાયણ રહેજે.
મિથ્યાત્વાદિમાં પરાયણ અજ્ઞાની જીવો ઈર્ષાથી આવા સુંદર
માર્ગની પણ નિંદા કરે તો તેથી તું ખેદખિન્ન થઈને સ્વરૂપથી
વિકળ થઈશ મા. તું તો પરમ ભક્તિથી માર્ગની આરાધનામાં જ
તત્પર રહેજે. તુ તારા સ્વપ્રયોજનને સાધવામાં તત્પર રહેજે.
નિંદા સાંભળીને તારા સ્વપ્રયોજનમાં ઢીલો થઈશ મા. જગતથી
નિરપેક્ષપણે તું એકલો એકલો અંદર આવા સુંદર વીતરાગમાર્ગને
ઉત્સાહથી સાધજે, પરમ ભક્તિથી સાધજે...સ્વરૂપને સાધવાના
ઉલ્લાસભાવમાં મોળપ લાવીશ નહીં.
અહા, કેવો સુંદર માર્ગ! કેવો શાંત–શાંત માર્ગ! આવા
સુંદર માર્ગને ઓળખીને તેની ભાવના કરવા જેવી છે, એટલે કે
નિજાત્મામાં ઉપયોગ જોડીને શુદ્ધરત્નત્રયપરિણતિ કરવા જેવી છે.
વીર સં. ૨૪૯૮ પોષ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૩