: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
જ્ઞાનીની ચૈતન્યપરિણતિ વિકલ્પોને સ્પર્શતી નથી
(નિયમસાર પાનું ૩૦૩ કારતક વદ ૯)
• વિકલ્પોની ઉત્પત્તિ રાગની ભૂમિકામાંથી થાય છે,–ચૈતન્યભૂમિકામાં તો
નિર્વિકલ્પઆનંદની ઉત્પત્તિ છે, તેમાં વિકલ્પની ઉત્પત્તિ નથી.
અંતરના ભગવાન સાથે ભેટો ચેતના–અનુભૂતિવડે થાય છે.
• વિકલ્પ છે તે ચૈતન્યરસ નથી. ચૈતન્યનો રસ, ચૈતન્યનો ભાવ તો એકલા સમરસ
સ્વભાવરૂપ છે, પરમશાંત અનુભૂતિરૂપ છે;
• જ્યાં આવા ચૈતન્યભાવપણે આત્મા જાગ્યો ને ‘હું ચિન્માત્ર શાંતિનો સાગર છું’
એવી અનુભૂતિરૂપ થયો ત્યાં તત્ક્ષણે જ વિકલ્પોની મોટી ઈન્દ્રજાળ અલોપ થઈ
જાય છે.
• અરે, વિકલ્પો તો ભવભય કરનારા છે, તે કાંઈ શાંતિ દેનારા નથી. ભલે બહારનો
વિકલ્પ હો કે અંદરનો વિકલ્પ હો––તેમાં ભય છે, અશાંતિ છે.
• ચૈતન્યની અનુભૂતિ તો પરમ આનંદદાતા છે, તેમાં કોઈ ભય નથી.
• ચૈતન્યની અનુભૂતિ તે જ આત્માનું અભ્યંતર અંગ છે, વિકલ્પો તો બાહ્ય છે, તે
કાંઈ ચૈતન્યનું અંગ નથી. અહો, આવી અંતરંગ અનુભૂતિવડે આત્મા પોતાની
અંદર કોઈ અદ્ભુત પરમ તત્ત્વને દેખે છે, જેને દેખતાં મહા આનંદ થાય એવું
અંતરંગ તત્ત્વ આત્મા પોતે છે. જેના ઉપર જ્ઞાનનું લક્ષ જતાં જ વિકલ્પો દૂર થઈ
જાય છે.––આવું અંગત તત્ત્વ આ ચૈતન્યસ્વરૂપ આત્મા છે.
• વિકલ્પ વિકલ્પમાં વર્તે છે, જ્ઞાન જ્ઞાનમાં વર્તે છે, વિકલ્પમાં જ્ઞાન વર્તતું નથી,
જ્ઞાનમાં વિકલ્પ નથી. આમ બંનેની ભિન્નતા જાણનાર જ્ઞાની, જ્ઞાનમાં જ વર્તે છે,
જ્ઞાનીની જ્ઞાનપરિણતિ આત્મામાં જ તન્મયરૂપ વર્તે છે, વિકલ્પભાવે નથી વર્તતું.
આવી અદ્ભુત જ્ઞાનપરિણતિ પોતામાં આનંદના સાગર ચૈતન્ય ભગવાનને ઝીલે
છે, વિકલ્પને તે નથી ઝીલતી, તેને તે પોતામાં પ્રવેશવા દેતી નથી. અહા, પરિણતિ
ચૈતન્યતત્ત્વમાં પ્રવેશી ગઈને વિકલ્પોથી છૂટી ગઈ, તે હવે વિકલ્પોને સ્પર્શતી નથી.
આવી પરિણતિ થાય ત્યારે જ્ઞાની ઓળખાય.