* શ્રાવકની ધર્મદ્રઢતા *
तं देश तं नरं तत्स्वं तत्कर्माण्यपि नाश्रयेत्।
मलिनं दर्शनं येन येन च व्रतखण्डनम्।।
પોતાના સમ્યક્ત્વાદિ ધર્મની જેમાં રક્ષા ન થાય,
સમ્યક્ત્વમાં કે વ્રતમાં મલિનતાનું કારણ હોય, એવા
દેશનો, એવા પુરુષોનો કે એવા ધનવૈભવ વગેરેનો સંબંધ
ધર્મી જીવ છોડી દે છે. સમાન પ્રતિકૂળતા કરે તોપણ ધર્મી
જીવ પોતાની શ્રદ્ધાથી ડગે નહિ. જેમાં શ્રદ્ધા વગેરેને દોષ
લાગે તેવા ધનને પણ ધર્મી જીવ છોડે છે. ભલે પ્રતિકૂળતા
હો, ધર્મ ક્્યાં એના આધારે છે? ધર્મી જીવ પોતાના ધર્મથી
કદી ડગે નહિ. નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે ધર્મીજીવ
અંતરની ચૈતન્યદ્રષ્ટિને ટકાવી રાખે છે માતા–પિતા–ભાઈ–
બેન ગમે તે હો, પણ ધર્મમાં જે પ્રતિકૂળતા કરે એનો
આશ્રય ધર્મીજીવ લેતો નથી. એવા મનુષ્યોનો સંગ તે છોડે
છે. કરોડો રૂપિયા મળતા હોય પણ ધર્મીજીવ પોતાની
શ્રદ્ધાને ઢીલી કરે નહિ. કોઈ વાર એમ બને કે સામા કહે કે
અમારા ઘરે આવીને તારે તારો ધર્મ નહિ પળાય, અમારો
ધર્મ પાળવો પડશે–તો આવા પુરુષના કે સ્ત્રીના સંગને
ધર્મીજીવ છોડી દે છે. પોતાના ધર્મની રક્ષામાં ધર્મીજીવ
તત્પર છે, તેમાં દુનિયાનો સાથ રહે કે ન રહે તેની પરવા
ધર્મી જીવ કરતો નથી. કોઈ અનાર્ય દેશ જ્યાં ખોરાકની
શુદ્ધી જળવાય નહિ, જ્યાં દેવ–ગુરુ મળે નહિ, જૈન ધર્મ મળે
નહિ–એવા કુક્ષેત્રમાં લાખો–કરોડો રૂા. ની કમાણી થતી હોય
તોપણ ધર્મીજીવ એવા ક્ષેત્રને, એવા મનુષ્યોના સંગને,
એવા વેપારને તથા એવા બધા કાર્યોને છોડી દે છે, ને
પોતાના શ્રદ્ધા વગેરે ધર્મો જેમ પુષ્ટ થાય તેમ કરે છે.
(ફત્તેપુર: પદ્મનંદી શ્રાવકાચાર–પ્રવચનોમાંથી)