મુ મુ ક્ષુ નું જી વ ન ધ્ યે ય
જ્ઞાનીસંતોનાં શરણમાં વસતો મુમુક્ષુ પોતાના જીવનમાં એક જ ધ્યેય
રાખે છે કે હું મારા આત્માને સાધું.
પોતાના આ સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિને માટે તે દિન–રાત ઉત્કૃષ્ટ
ઉત્સાહ–પૂર્વક પ્રયત્ન કરે છે.
આવો ઉદ્યમ કરનારા બીજા સાધર્મીજનો પ્રત્યે પણ તેને અત્યંત
વાત્સલ્યભાવ ઉલ્લસે છે.
પોતાના ઉત્તમ ધ્યેયને સાધવા માટે મુમુક્ષુને જ્ઞાનભાવના અને
વૈરાગ્ય–ભાવના જીવનમાં સદાય સાથીદાર છે. જગતની ખોટી પંચાતમાં તે
રસ લેતો નથી....આત્માના ઘોલનમાં જ તેને રસ છે.
દેવ–ગુરુ–શાસ્ત્રની સેવામાં તે ખૂબ ઉત્સાહથી વર્તે છે, અને તેમના
આદર્શવડે પોતાના ધ્યેયને તાજું રાખે છે. દેવ–ગુરુના આત્મગુણોને
ઓળખીને પોતામાં તેની પ્રેરણા લ્યે છે.
જીવનમાં સુખ–દુઃખની ગમે તેવી ઉથલપાથલમાંય તે પોતાના
ધ્યેયને કદી ઢીલું પડવા દેતો નથી. પણ ઉત્તમ પુરુષોના આદર્શજીવનને
નજરસમક્ષ રાખીને તે આરાધનાનો ઉત્સાહ વધારે છે... આત્માનો મહિમા
વધારતો જાય છે.
આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે, તેથી તેની એક ક્ષણ
પણ નિષ્ફળ ન વેડફાય, ને પ્રમાદ વગર આત્મસાધના માટે જ પ્રત્યેક ક્ષણ
વીતે, તે માટે તે જાગૃત રહે છે. અને જીવનમાં ઉથલ–પાથલના ગમે તેવા
પ્રસંગે પણ તે પોતાના આત્માને સાધવાના ધ્યેયને ઢીલું કરતો નથી.
હરરોજ આત્મામાં ઊંડો ઊતરવાનો અભ્યાસ કરે છે. એકલો–એકલો
આત્માના એકત્વને શોધી–શોધીને અંદરની શાંતિનો સ્વાદ લેવા મથે છે.
(આવો મુમુક્ષુ આત્માને જરૂર સાધે છે, ને અપૂર્વ શાંતિને પામે છે.)