ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
પંચકલ્યાણક વગેરે ધર્મોત્સવમાં અવશ્ય જવું જોઈએ
પંચાધ્યાયી ગા. ૭૩૯ માં કહે છે કે –
नित्यै नैमित्तिके चैवं जिनबिम्बमहोत्सवे।
शैथिल्यं नैव कर्तव्यं तत्त्वज्ञैः तद्विशेषतः।।
જિનમંદિર કરાવવું, તેમાં પ્રતિષ્ઠા કરાવવી, સાધુઓની સેવા તથા
તીર્થયાત્રા કરવામાં તત્પર થવું, સાધર્મીનું સન્માન કરવું –વગેરે ઉપદેશ આપ્યા
બાદ કહે છે કે, એ પ્રમાણે ધર્માત્મા–શ્રાવકે નિત્ય અને નૈમિત્તિકરૂપથી
થવાવાળા જિનબિંબમહોત્સવમાં શિથિલતા ન કરવી, તથા તત્ત્વજ્ઞાનીઓએ તો
તે શિથિલતા કદી પણ અને કોઈ પ્રકારથી ન કરવી, એટલે કે તેવા મહોત્સવમાં
સામેલ થઈને ઉત્સાહથી ભાગ લેવો.
આપણે પરમાગમમંદિરમાં વીરપ્રભુની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ
નજીક આવી રહ્યો છે, જિજ્ઞાસુઓ તેમાં ઉત્સાહથી ભાગ લેવા તત્પર છે.
ઉપરનો શ્લોક તે ભાવનામાં પુષ્ટિકારક છે. મહોત્સવમાં હજારો સાધર્મીજનો
એકઠા થયા હોય, એટલે તેવા પ્રસંગમાં તત્ત્વજ્ઞ ધર્માત્માની ઉપસ્થિતિ વિશેષ
પ્રભાવનાનું કારણ થાય છે. માટે ધર્મી શ્રાવકોએ તેવા મહોત્સવમાં જરૂર
ઉત્સાહથી જવું, તેમાં કોઈ પ્રકારે શિથિલતા કરવી નહીં.
ધર્માત્માનો માર્ગ
અહો, અમે ચૈતન્યના સાધક, આનંદપુરીના પંથી! દુનિયાના રાગ–
દ્વેષને ગાંઠે બાંધવાની અમને ક્યાં ફૂરસદ છે! ચૈતન્યની સાધનામાં વચ્ચે
રાગદ્વેષ પાલવતા નથી. દુનિયાના જીવો રાગ–દ્વેષ કરે તો તેથી અમારે શું?
અમે તે રાગી–દ્વેષી જીવોને જોવામાં અટકનારા નથી. અમે તો અમારા વડીલ
વીતરાગી જીવોને દેખીને આદરથી તેમના માર્ગે જનારા છીએ...અમારા
માર્ગમાં વિઘ્ન નથી, રાગદ્વેષ નથી, કલેશ નથી, ભય નથી.
અમારો માર્ગ નિર્વિઘ્ન છે, વીતરાગ છે, શાંત છે, નિર્ભય છે.
સાધર્મીઓ સૌ! તમેય અમારી સાથે જ આવા માર્ગે ચાલો.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૫૦૦
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : પોષ (૩૬૩)